રથયાત્રાના રૂટ પર ૨૫ કન્ટેન્ટમેન્ટ ઝોન-કોરોનાના ૧૬૦૦ દર્દી છે, આયોજન અંગે ચર્ચા બાદ નિર્ણયઃ ગૃહ રાજ્યમંત્રી
અમદાવાદ: મહામારી કોરોનાને પગલે શહેરમાં અષાઢી બીજી નિમિત્તે યોજાતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા અંગે હજુ પણ અસમંજસ ચાલી રહી છે, અત્યાર સુધી સરકારે રથયાત્રા કેવી રીતે યોજવી તે અંગે કોઈ નિર્ણય કર્યો નથી. રથયાત્રાના આયોજન અંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે, અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં યોજાનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રા અંગે હજુ સુધી કોઇ નિર્ણય લેવાયો નથી. શહેરની કોરોનાની સંપૂર્ણ પરિસ્થિતિનો અભ્યાસ કર્યા બાદ અને પરિસ્થિતિનો તાગ મેળવ્યા બાદ યોગ્ય નિર્ણય લેવાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આજે વિસ્તૃત ચર્ચાઓ કરાઈ હતી અને શહેરમાં કોરોનાની પરિસ્થિતિ અનુસાર નિર્ણય કરવા જણાવ્યું છે.
તેમણે ઉમેર્યું કે, અમદાવાદ શહેરમાં રથયાત્રાના સમગ્ર રૂટમાં ૨૫ જેટલા કન્ટેન્ટમેન્ટ ઝોન આવેલા છે. રથયાત્રાના રૂટમાં આવેલા તમામ કન્ટેન્ટમેન્ટ ઝોનમાં કોરોનાના ૧,૬૦૦થી વધુ દર્દીઓ છે. આ વિસ્તારોમાં રાજ્ય સરકારના ઉત્તમ પ્રકારના આયોજનના કારણે કોરોનાના સંક્રમણને અટકાવવા તેમજ માનવ મૃત્યુઆંક અંકુશમાં રાખવામાં સફળતા મળી છે.
શહેરમાં કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય અને નાગરિકોની જાન બચાવવી એ રાજ્ય સરકારની પ્રાથમિકતા રહી છે અને રહેશે. એટલે શહેરની સંપૂર્ણ પરિસ્થિતિનો અભ્યાસ કરી યોગ્ય નિર્ણય લેવાશે. જો રથયાત્રા કાઢવામાં આવે તો યોગ્ય સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ નહીં તથા સોશિયલ ડિસ્ટન્સ ભંગ થવાની સંભાવનાને કારણે કોરોનાના કેસ વધી શકે એવી સંભાવના છે. એટલે અમદાવાદ શહેરના વહીવટી તંત્ર, રાજ્યના પોલીસ વિભાગ તથા અન્ય અગ્રણીઓ સાથે પરામર્શ કર્યા બાદ જ અમદાવાદ સહિત રાજ્યમાં યોજાનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રા અંગે નિર્ણય લેવાશે તેમ તેમણે ઉમેર્યું છે.