રથયાત્રાના લોખંડી બંદોબસ્તમાં ૨૫,૦૦૦ પોલીસ તૈનાત રહેશે
અમદાવાદ, અમદાવાદ શહેરમાં યોજાવવા જઈ રહેલી રથયાત્રાને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પોલીસ દ્વારા પણ રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે કવાયત હાથ ધરવામાં આવી રહી છે. રથયાત્રા દરમિયાન કોઈ અણબનાવ ન બને એના પર પણ પોલીસ પૂરતું ધ્યાન આપી રહી છે.
આ સાથે જ પોલીસ બોડી વોર્ન કેમેરા, ડ્રોન ફેસ ડિટેક્શન કેમેરા સહિતની વિવિધ ટેક્નોલોજીનો ઉપયોગ કરશે. આ સિવાય રથયાત્રાના બંદોબસ્તમાં ૨૫ હજાર જેટલાં પોલીસકર્મીઓ તૈનાત રહેશે. રથયાત્રાના બંદોબસ્તને લઈને રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
આ બેઠક બાદ હર્ષ સંઘવીએ જણાવ્યું કે, રથયાત્રાના બંદોબસ્તમાં ૮ DG-IG, ૩૦ SP, ૩૫ ACP, SRP અને CRPFની ૬૮ કંપની તૈનાત રહેશે.
ગયા ગુરુવારે રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવી અમદાવાદ ક્રાઈમ બ્રાંચ પહોંચ્યા હતા. ક્રાઈમ બ્રાંચમાં તેઓએ અમદાવાદ પોલીસ કમિશનર, ક્રાઈમ બ્રાંચના જેસીપી, ડીસીપી તથા શહેરના તમામ આઈપીએસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન હર્ષ સંઘવીએ રથયાત્રાની તૈયારીઓ અને બંદોબસ્તની સ્થિતિ, સુરક્ષા વગેરે અંગે ચર્ચા કરીને માહિતી મેળવી હતી. શહેર પોલીસ રથયાત્રાને લઈ કેવી સજ્જ છે વગેરે જેવી માહિતી પણ મેળવી હતી.
ઉપરાંત હર્ષ સંઘવીએ રથયાત્રાના રૂટમાં આવતા સંવેદનશીલ વિસ્તારોની સ્થિતિ, બંદોબસ્ત તથા આયોજન અંગે પણ પોલીસ ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી. એટલું જ નહીં હર્ષ સંઘવીએ આ બેઠક પૂર્ણ થયા બાદ મંદિરથી સમગ્ર રૂટ પર જઈને જાતે નિરીક્ષણ કર્યું હતું.સાથે જ તેઓએ જગન્નાથ મંદિરની પણ મુલાકાત લીધી હતી.
રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, રથયાત્રાને લઈને પોલીસ દ્વારા પૂરતી તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. સેન્ટ્રલ કે સ્ટેટ આઈબીને આતંકી હુમલાને લઈ કોઈ ઈનપુટ મળ્યા નથી.
મહત્વનું છે કે, હર્ષ સંઘવીએ જગન્નાથ મંદિરની મુલાકાત દરમિયાન મહંત દિલીપદાસજી અને ટ્રસ્ટીઓ સાથે પણ મુલાકાત કરી હતી.
જગન્નાથ મંદિરે દર્શન કર્યા પછી હર્ષ સંઘવી ભગવાન જગન્નાથના મોસાળ રણછોડરાયજી મંદિરે ગયા હતા અને ત્યાં પણ દર્શન કર્યા હતા. સાથે જ સમગ્ર રૂટ પર પર આવતા વિસ્તારોની સ્થિતિનો તાગ મેળવ્યો હતો.SS3KP