રથયાત્રાનો નિર્ણય હાઈ પાવર કમીટી લેશે
(પ્રતિનિધિ) અમદાવાદ: કોરોનાના કાળા કેરને કારણે ભગવાન જગન્નાથજીની ૧૪૩મી રથયાત્રા ર૬મી જુનના રોજ નીકળનાર છે તેને લઈને અવઢવની સ્થિતિ સર્જાઈ છે. રથયાત્રાને તેના પરંપરાગત માર્ગ ઉપર કેવી રીતે નીકાળવી તેનો આખરી નિર્ણય લેવા માટે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં હાઈપાવર કમિટીની રચના કરવામાં આવશે. આ કમિટીની બેઠકમાં રીવ્યુ લેવામાં આવશે.
આ કમિટી જે નિર્ણય લેશે તે આખરી ગણાશે. જાકે તે પહેલા સરકારે સેન્ટ્રલ આઈ.બી (કેન્દ્રીય ગુપ્તચર ખાતુ) તથા સ્ટેટ આઈ.બી (રાજય ગુપ્તચર વિભાગ) પાસેથી વિગતો મેળવી છે આ બંને વિભાગો તરફથી રથયાત્રાને લઈને તમામ ઝીણામાં ઝીણી વિગતો મેળવવામાં આવશે. બીજી તરફ કેન્દ્ર સરકારની સલાહ અને માર્ગદર્શન મેળવવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં હાઈપાવર કમિટી બનશે તેમાં રાજયના પોલીસવડા, અમદાવાદના કલેકટર અને શહેર પોલીસ કમિશનરનો સમાવેશ કરાશે. આ હાઈપાવર કમિટી તબક્કાવાર બેઠકો યોજીને પરિસ્થિતિનો રિવ્યુ કરશે. ત્યાર પછી આખરી નિર્ણય લેવામાં આવશે કમિટી તરફથી જે નિર્ણય લેવાશે તે આખરી ગણાશે.
ભગવાન જગન્નાથજીની રથયાત્રા વર્ષોથી પરંપરાગત રીતે શહેરની પરિક્રમાએ નીકળે છે રથયાત્રામાં ભગવાનના દર્શનાર્થે લાખો ભાવિક ભક્તો શ્રધ્ધાળુઓ ઉમટી પડે છે ‘જય રણછોડ માખણ ચોર’ના જયઘોષ સાથે રથયાત્રા વહેલી સવારે જમાલપુર જગન્નાથજીના મંદિરેથી નીકળે છે તે પછી શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ફરીને ભગવાન સામેથી તેમના ભક્તોને દર્શન આપે છે.
પરંતુ આ વખતે કોરોનાને કારણે રથયાત્રા કેવી રીતે નીકાળવી તેને લઈને રાજય સરકાર દ્વિધામાં છે કારણ કે રથયાત્રા પરંપરાગત રીતે તો નીકાળી શકાય તેમ નથી. કોરોનાને કારણે રથયાત્રા સાદાઈપૂર્વક નીકાળવી તો કેટલા લોકો સાથે રથયાત્રા નીકાળવી તે અંગે પણ નિર્ણય લેવાશે. રથયાત્રાને હજુ અઠવાડિયાનો સમય છે તેથી રાજય સરકાર હાઈપાવર કમિટીની રચના કરનાર છે તેમાં રથયાત્રાને લઈને નિર્ણય લેવામાં આવશે.
રથયાત્રાને કેવા સ્વરૂપે નીકાળવાની છે તે સંદર્ભમાં ચર્ચા વિચારણા કરીને નિર્ણય લેવાશે જાકે તે પહેલા રાજય સરકારે સેન્ટ્રલ આઈ.બી અને સ્ટેટ આઈ.બી પાસેથી વિગતો મેળવી છે રથયાત્રાનો જે રૂટ છે તે અંગે પણ વિચારણા થશે. કારણ કે રથયાત્રાનો લગભગ ૮૦ ટકા વિસ્તાર કોરોનાના રેડ ઝોનમાં આવે છે.
વળી અહીંયા સલામતી માટે રહેલા રેપીડ એકશન ફોર્સ (આર.એ.એફ) બી.એસ.એફ (બોર્ડર સિકયુરીટી ફોર્સ) સી.આર.પી. એફ (સેન્ટ્રલ રીઝર્વ પોલીસ ફોર્સ) ના જવાનો પર કોરોનાનું જાખમ વધવાની સંભાવના છે. તેથી રથયાત્રામાં વધારે ભીડભાડ થાય નહિ તેનો વિશેષ ખ્યાલ રખાશે એટલુ જ નહિ રથયાત્રા જગન્નાથ મંદિરેથી નીકળીને વહેલી નીજ મંદિરે પરત ફરે તેવા પ્રયાસો કરાશે ચાલુ વર્ષે સરસપુરમાં ભંડારો થનાર નથી.
પરંતુ આ વખતે ટ્રસ્ટ મંડળના સભ્યો તથા મહારાજ દિલિપદાસજી મહારાજ સહિતના મહાનુભાવો જ ઉપસ્થિત રહયા હતા તેમની સાથે થોડા શ્રધ્ધાળુઓ હતા. તેવી જ રીતે મામેરાની વિધિ પણ સાદાઈથી પૂર્ણ કરાઈ હતી.