રથયાત્રામાં અરાજકતા ફેલાવવાનો ધમકીભર્યો ફોન કરનાર શખ્સ ઝડપાયો
અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમને છેલ્લા ત્રણ દિવસથી અજાણ્યો શખ્સ ફોન કરીને રથયાત્રામાં આઈએસ સાથે સંકળાયેલો શખ્સ અડચણો ઉભી કરશે એવી ધમકી
|
અમદાવાદ : અમદાવાદ શહેરમાં અષાઢી બીજના દિવસે યોજાનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ખાસ કરીને રથયાત્રા નીમિત્તે પોલીસ બંદોબસ્તની મહત્ત્વપૂર્ણ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. અને રથયાત્રાના રૂટ પર તથા સંવેદનશીલ વિસ્તારોમાં સશસ્ત્ર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
રથયાત્રાના રૂટ ઉપર હાલમાં રેપીડએકશન ફોર્સના જવાનો પેટ્રોલીંગ કરી રહ્યા છે.
આ દરમ્યાનમાં છેલ્લા ત્રણ દિવસથી શહેર પોલીસ કંટ્રોલ રૂમને રથયાત્રા દરમ્યાન ત્રણ દરવાજામાં વિસ્તારમાં રહેતો એક શખ્સ અડચણો ઉભી કરી વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરશે એવો નનામો ધમકીભર્યો ફોન આવતા ઉચ્ચ અધિકારીઓ સતર્ક બન્યા હતા અને ખાનગી રાહે આ વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી.
બીજી બાજુ સાયબર સેલની મદદથી આ ફોન નંબરને ટ્રેસ કરી,ધમકીભર્યા ફોન કરનાર શખ્સની ધરપકડ કરી લેવામાં આવતા પોલીસે હાશકારો અનુભવ્યો હતો. આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા યોજાય છે.
અષાઢી બીજના દિવસે યોજાનારી રથયાત્રા નિમિત્તે શહેર પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયુ છે અને સમગ્ર શહેરમાં પોલીસનું રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલીંગ શરૂ કરી દેવાયુ છે અને બીજી બાજુ રથયાત્રાના રૂટ પર સશસ્ત્ર દળોને તૈનાત કરી દેવામાં આવ્યા છે અને આ તમામ જવાનો છેલ્લા બે દિવસથી સતત પેટ્રોલીંગ કરી ચાંપતી નજર રાખી રહ્યા છે.
રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પરિસ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે. આ દરમ્યાનમાં અમદાવાદ શહેર પોલીસને છેલ્લા ત્રણ દિવસથી એક નનામો ફોન આવતો હતો અને આ ફોન કરનાર શખ્સ ખુલ્લેઆમ ધમકી આપતો હતો. કંટ્રોલ રૂમમાં ઉપસ્થિતિ અધિકારીને આ શખ્સ કહેતો હતો કે રથયાત્રા દરમ્યાન ત્રણ દરવાજા વિસતારમાં રહેતો મહમ્મદ યુસુફ નામનો શખ્સ અડચણો ઉભી કરશે.
એટલું જ નહીં પરંતુ આ શખ્સ આઈએસ સાથે સંકળાયેલો છે. છેલ્લા ત્રણ દિવસથી આવી રહેલા આ ધમકીભર્યા ફોનથી પોલીસ અધિકારીઓ એલર્ટ થઈ ગયા હતા અને ત્રણ દરવાજા વિસ્તારમાં સ્થાનિક પોલીસ ઉપરાંત અન્ય એજન્સીઓ ખાનગી રાહે ચેકીંગ કરી રહી હતી બીજી બાજુ ધમકીભર્યો ફોન કરનાર શખ્સને ઝડપી લેવા માટે પણ પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. સાયબર સેલની મદદથી આ ફોન નંબર ટ્રેસ કરવામાં આવતો હતો અને ભારે જહેમત બાદ આ ફોન નંબર ટ્રેસ થઈ ગયો હતો.
જેના પગલે ગઈકાલે રાત્રે ફોન કરનાર શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો. કારંજ વિસ્તારમાં રહેતો મહમ્મદ ઉવેશ નામના શખ્સની કારંજ પોલીસે ધરપકડ કરી તેની પૂછપરછ શરૂ કરી છે. બીજી બાજુ ત્રણ દરવાજા વિસ્તારમાં સઘન ચેકીંગ છતાં કંઈ જ અજુગતું જણાયુ નહોતુ. જેના પરિણામે પોલીસ તંત્રએ હાશકારો અનુભવ્યો છે.
અમદાવાદ શહેરમાં પોલીસ કંટ્રોલ ઉપરાંત અન્ય આવશ્યક સેવાઓની એજન્સીઓમાં ફોન કરીને ધમકીઓ આપવાની ઘટનાઓ વધવાં લાગતાં સાયબર સેલ એલર્ટ થયું છે અને ફોન કરનાર વ્યક્તિઅે ઝડપી લેવા માટે સઘન તપાસ કરવામાં આવી રહી છે. જેનાં પરિણામે છેલ્લાં કેટલા દિવસોથી આવી ઘટનાઓ અટકી ગઈ હતી. પરંતુ રથયાત્રા પૂર્વ ધમકીભર્યાે ફોન મળતાં પોલીસતંત્ર એલર્ટ થઈ ગયું હતું.