રથયાત્રામાં જડબેસલાક બંદોબસ્ત, ચહેરાઓની કેમેરાથી ચોકી કરાશે
શ્રદ્ધાળુઓની શ્રદ્ધા સાથે પોલીસની ત્રીલેયર સુરક્ષા
અમદાવાદ, અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ૧૪૫મી રથયાત્રામાં શ્રદ્ધાળુઓની શ્રદ્ધા સાથે પોલીસની ત્રીલેયર સુરક્ષા પણ દેખાશે. પ્રથમ વખત રથયાત્રામાં પોલીસ દ્વારા હવાઈ સુરક્ષા માટે હેલિકોપ્ટરથી સર્વેલન્સ કરવામાં આવશે. આ ઉપરાંત જમીની હકીકત અને સર્વેલન્સ માટે ફેસ ડિટેક્ટર કેમરા પણ લગાવવામાં આવ્યા છે.
પ્રથમ વખત આ પ્રકારનાની ટેકનોલોજી સાથેનો સર્વેલન્સનો ઉપયોગ રથયાત્રામાં દરમિયાન કરવામાં આવશે. જેથી આ રથયાત્રા પોલીસ બંદોબસ્ત અને સુરક્ષાની દ્રષ્ટીએ ઐતિહાસિક છે. આ કેમેરામાં ૫૦ હજારથી પણ વધુ ક્રિમિનલ રેકોર્ડ ધરાવનાર શખ્સોનો ડેટા અપડેટ કરવામાં આવ્યો છે.
આ ડેટા આધારે મંદિરમાં કે આસપાસ પ્રવેશ લેતાં ગુનાહિત માનસિકતા ધરાવતા કે પોકેટમાર શખ્સોને ૯ સેકન્ડમાં કેમેરા દ્વારા ડિટેક્ટ કરવામાં આવશે. બાદમાં પોલીસ તુરંત જ સ્થાનિક હાજર પોલીસ જવાન સાથે કોઓર્ડિનેટ કરીને તેને ઝડપી લીધા બાદ તેની સામે કાયદેસર કાર્યવાહી કરશે.
મહત્વનું છે કે હિસ્ટ્રીશીટર સિવાય પેરોલ ફ્લો અને જેલમાંથી ભાગી છૂટેલા આરોપીને પણ આસપાસ દેખાતાની સાથે જ પોલીસ તેમને પકડી કાર્યવાહી કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા હેલિકોપ્ટરથી નજર રાખવામાં આવનાર છે. આ ઉપરાંત પેરામોટરિંગ દ્વારા પણ સર્વેલન્સ કરવામાં આવશે.
ત્યારે હવે ફેસ ડિટેક્શન કેમેરા અને અન્ય પોલીસ દ્વારા લગાવાયેલા સીસીટીવી સહિત તમામ પ્રકારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આ પોલીસ બંદોબસ્તને તોડવો લગભગ કોઇના માટે પણ શક્ય નથી. એક પ્રકારે કહી શકાય કે રથયાત્રામાં પવનને પણ પોલીસ પાસેથી પરવાનો લેવો પડશે.SS3KP