રથયાત્રા પૂર્વે શહેરમાં ગેંગવોર: યુવકની હત્યા બાદ તંગદિલીનો માહોલ
(એજન્સી) અમદાવાદ,રથયાત્રા નજીક આવી રહી છે ત્યારે ગુનેગારોએ માથું ઉચકયું હોય તેવું લાગી રહ્યું છે. ગઈકાલે શહેરના ફતેહવાડી વિસ્તારમાં ગેંગવોરમાં એક યુવકની ઘાતકી હત્યા થઈ જતાં ચકચાર મચી ગઈ છે.
બે દિવસ પહેલાં મૃતકે તેની ગેંગ સાથે મળીને માથાભારે શખ્સ પર હુમલો કર્યો હતો ત્યારે ગઈકાલે વળતા જવાબમાં શખ્સે પોતાના સાગરીતો સાથે મળી યુવકને છરીઓના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો છે. મોડી રાતે ફતેહવાડીમાં થયેલી હત્યાના બનાવ બાદ માહોલ તંગ ના થાય તે માટે પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
ફતેહવાડી વિસ્તારમાં ગઈકાલે મોડી રાતે ખૂની ખેલ ખેલાયો છે, જેમાં સદામ મોમીન નામના યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી છ. માથાભારે શખ્સ અને ગેંગ ચલાવતો મુસ્તકીમ ઉર્ફે મુસ્કીમ પઠાણ બે દિવસ પહેલાં થયેલી બબાલની અદાવત રાખીને ગેંગ લઈને ફતેહવાડી વિસ્તારમાં આવેલા સદ્દામના ઘરમાં ઘુસી ગયો હતો જયાં તેના ઉપર હુમલો કર્યો હતો
ત્યારબાદ તેને નસીમ પાન પાર્લર પાસે લાવીને છરીઓના ઘા ઝીંકી દેવામાં આવ્યા હતા. સદામ પર હુમલો કર્યા બાદ મુસ્તકીમ અને તેની ગેંગના સાગરીતો નાસી ગયા હતા. ઈજાગ્રસ્ત સદ્દામને પણ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જયાં ફરજ પરના હાજર ડોકટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ પોલીસને થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
સદ્દામ અને મુસ્તકીમ વચ્ચે છેલ્લા ઘણા સમયથી ગેંગવોર ચાલતી હતી. ગેંગવોરના કારણે ગઈકાલે આ હત્યા કરવામાં આવી છે. બે દિવસ પહેલા સદ્દામ અને તેના સાગરીતોએ ભેગા મળીને મુસ્તકીમ ઉપર હુમલો કર્યો હતો, જેના સીસીટીવી કુટેજ પણ સામે આવ્યા હતા.
બે દિવસ પહેલાં મુસ્તકીમના ભાણેજ અરબાઝની સગાઈ હોવાથી તે ફતેહવાડી પાસે આવેલી અલ સાયરા સોસાયટીમાં ગયો હતો. મુસ્તકીમ અને અરબાઝ પાર્લર પર સિગારેટ પીવા માટે ઉભા હતા ત્યારે સદ્દામ, સજજાદ, નઝીરમામા, ઝમીરમામા સહિતના લોકો દુકાન બંધ કરાવવા માટે આવ્યા હતા. સદ્દામે આવતાની સાથે જ અરબાઝ તેમજ મુસ્તકીમને ધક્કો માર્યો અને જમીન પર પાડી દીધો હતો, જેના કારણે મામલો બીચકયો હતો.
મુસ્તકીમે સદ્દામને શાંતિથી વાત કરવાનું કહેતા તે વધુ ઉશ્કેરાયો હતો. સદ્દામ ત્યાંથી તેની ગેંગ લઈને જતો રહ્યો હતો. ત્યારબાદ હાથમાં તલવારો લઈને દોડી આવ્યા હતા. સદ્દામ સહિતના લોકોએ મુસ્તકીમને ગાળો બોલીને હુમલો કર્યો હતો, જયારે તેના ભાણેજ અને જમાઈ ઉપર પર હુમલો કર્યો હતો. મુસ્તકીમની બહેને તરત જ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરી દીધો હતો, જેથી સદ્દામ સહિતના લોકો ત્યાંથી નાસી ગયા હતા. મુસ્તકીમે આ મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ચાર વ્યકિતઓ વિરૂદ્ધ ફરિયાદ કરી હતી.
મુસ્તકીમ પર હુમલો થતાં તેણે બદલો લેવાનું નકકી કરી લીધું હતું અને ગઈકાલે આયોજનપૂર્વક તે પોતાની ગેંગ લઈને ફતેહવાડીમાં ઘૂસી ગયો હતો, જેમાં તેણે સદ્દામને છરીઓના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો.
મુસ્તકીમને ડોન બનવાના અભરખા હોવાથી તે અવારનવાર લોકો સાથે મારઝૂડ કરતો હતો. જાણીતા ઉદ્યોગપતિ કરસન પટેલના નિમા ફાર્મ હાઉસમાં લૂંટનો પ્લાન બનાવનાર તેમજ કુખ્યાત ગેંગસ્ટર શિવા મહાલિંગમને અવારનવાર જાનથી મારી નાખવાની ધમકી મુસ્તકીમ આપતો હતો. મુસ્તકીમ વીડિયો વાઈરલ કરતો હતો, જેના કારણે શિવા તેની હત્યા કરવાની ફિરાકમાં હતો. શિવાએ તાજેતરમાં ધમકી આપતો વીડિયો વાઈરલ કર્યો હતો, તેમાં તેનો ટાર્ગેટ મુસ્તકીમ હતો.
મુસ્તકીમ તેની ગેંગ સાથે ગયો હતો, જેમાં મહિલાઓ પણ સામેલ હતી. મહિલાઓએ સદ્દામને ઝડપી પાડયો હતો, જયારે મુસ્તકીમે તેને છરીઓના ઘા ઝીંકયા હતા. મુસ્તકીમનો આતંક જોઈને સદ્દામની ગેંગના તમામ સભ્યો ત્યાંથી તાત્કાલિક નાસી ગયા હતા. છેલ્લા ઘણા સમયથી બંને ગેંગ વચ્ચે માથાકુટ ચાલી રહી હતી.
મુસ્તકીમે સદ્દામની હત્યા કરતાં ગુનાખોરીની આલમમાં સન્નાટો વ્યાપી ગયો હતો. સદ્દામ પર હુમલો થતાં તેને એસવીપી હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો જયા ંતેને મૃત જાહેર કરાયો હતો. સદ્દામના મોતના સમાચાર મળતાંની સાથે જ ગેંગસ્ટર્સ ઉમટી પડયા હતા. એસવીપી હોસ્પિટલમાં મોડી રાતે કાલુ ગરદન સહિતના માથાભારે લોકો પહોંચી ગયા હતા.
અંદાજિત પ૦૦થી વધુ લોકો મોડી રાતે હોસ્પિટલમાં હતા, જેથી પોલીસે બંદોબસ્ત પણ ગોઠવી દીધો હતો.