રથયાત્રા રૂટ પરની ૩ર૭ ભયજનક મિલ્કતોને નોટીસ
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે કે કેમ તેની અનિશ્ચિતતા વચ્ચે મ્યુનિ. કોર્પોરેશને રથયાત્રા રૂટ પર કામગીરી શરૂ કરી છે જેના ભાગરૂપે આ રૂટ પરના ભયજનક કહી શકાય તેવા મકાનોને નોટીસ આપી તેનો વપરાશ બંધ કરવા સુચના આપી છે.
ભગવાન જગન્નાથની ૧૪૪મી રથયાત્રા અંગે ભારે અવઢવ ચાલી રહી છે તથા સૌની મીટ રાજય સરકારના નિર્ણય પર છે તેમ છતાં મ્યુનિ. તંત્રએ તેની તમામ તૈયારી પૂર્ણ કરવા અધિકારીઓને સુચના આપી છે રથયાત્રા રૂટ પર રોડ રીપેરીંગ સ્ટ્રીટ લાઈટ રીપેરીંગ, ફુટપાથના કામો ઝડપભેર પૂર્ણ થઈ રહયા છે.
રથયાત્રા પસાર થાય તે સમયે કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે ભયજનક કહી શકાય તેવી ૩ર૭ મિલ્કતોને નોટીસ આપી છે. મધ્યઝોન એસ્ટેટ વિભાગ દ્વારા જમાલપુર વોર્ડમાં ૧ર, ખાડિયા-૧માં પ૮, ખાડીયા-ર માં ૧પર, દરિયાપુર વોર્ડમાં ૯૦, શાહીબાગમાં ૧૦, શાહપુર વોર્ડમાં પ ભયજનક મકાનોને નોટીસની બજવણી કરવામાં આવી છે
જે પૈકી ૪૪ જેટલા મકાનો રીપેર થઈ ગયા છે જેમાં સૌથી વધુ ર૪ મકાન ખાડીયા-ર માં રીપેર થયા છે. રથયાત્રા અગાઉ અન્ય ભયજનક મિલકતો રીપેર નહી થાય તો તેનો વપરાશ બંધ કરવામાં આવશે તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.