રનવે પાસે પ્લેન ક્રેશ થતાં ૮ સ્કાયડાઇવર્સ,પાયલટનું મોત
ઓરેબ્રો: સ્વીડનમાં ઓરેબ્રોની બહાર સ્કાઇડાઇવિંગ માટે ઉપયોગમાં લેવાતું એક નાનું પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે. આ દુર્ઘટનામાં ૯ લોકોનાં મોત થયા છે. મૃતકોમાં ૮ સ્કાયડાઇવર્સ અને પાયલટ સામેલ છે. ટેક ઓફ કર્યાના થોડાક જ સમય બાદ ઓરેબ્રો એરપોર્ટ પર રનવેની નજીક પ્લેન ક્રેશ થઈ ગયું. ક્રેશ થવાની સાથે જ પ્લેનમાં આગ લાગી ગઈ. સ્વીડિશ પોલીસે આ જાણકારી આપી છે.
ન્યૂઝ એજન્સી રોઇટર્સ મુજબ, સ્વીડન પોલીસે કહ્યું કે, ગુરૂવારે ઓરેબ્રોની બહાર આ દુર્ઘટના થઈ. દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં સવાર તમામ લોકોનાં મોત થઈ ગયા છે. પોલીસે કહ્યું કે, ડીએચસી-૨ ટર્બો બીવર પ્લેનમાં ૮ સ્કાયડાઇવર્સ અને પાયલટ સવાર હતા.
સ્વીડનના વડાપ્રધાન સ્ટીફન લોફવનએ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વીટર પર લખ્યું કે, મને ખૂબ દુઃખ છે, મને ઓરેબ્રોમાં પ્લેન દુર્ઘટના વિશે સૂચના મળી. મારી સંવેદનાઓ આ કઠીન સમયમાં પીડિતો, તેમના પરિવારો અને પ્રિયજનોની સાથે છે.
નોંધનીય છે કે, વર્ષ ૨૦૧૯માં પણ ઉત્તર-પૂર્વ સ્વીડનના ઉમિયા શહેરની બહાર સ્કાયડાઇવર્સ લઈ જઈ રહેલું પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થતાં ૯ લોકોનાં મોત થયા હતા.