આમોદમાં રમઝાન માસમાં જ પાણીનો કકળાટ-મુસ્લિમ મહિલાઓનો આક્રોશ

ભરૂચ, આમોદ નગરના વોર્ડ નંબર ૨ માં પવિત્ર રમઝાન માસમાં જ પાણીનો કકળાટ ઉભો થતા મુસ્લિમ મહિલાઓમાં પાલિકા સત્તાધીશો સામે આક્રોશ જોવા મળ્યો હતો. તેમજ આમોદ નગરપાલિકા પ્રમુખનો પણ મત વિસ્તાર હોવા છતાં પાલિકા પ્રમુખ પાણી જેવી પ્રાથમિક જરૂરિયાત સામે આંખ આડા કાન કરતા હોવાનું જાણવા મળ્યું છે.
આમોદ નગરમાં વોર્ડ નંબર ૨ માં આમોદ પાલિકાના મહિલા પ્રમુખનો વિસ્તાર છે.જેમાં ઘણા સમયથી પાણી નહિવત આવે છે તેમજ પ્રેશરથી પાણી ના મળતું હોવાથી પાણી ટાંકીમાં પણ ચઢતું નથી.જે બાબતે આમોદ વોર્ડ નંબર ૨ ના સ્થાનિક જાગૃત નાગરિકે આમોદ પાલિકા પ્રમુખના પતિને પોતાના વિસ્તારમાં રમઝાન માસમાં પાણી આવતું ના હોવાની ફોનથી રજુઆત કરી હતી ત્યારે આમોદ પાલિકા પ્રમુખ પતિએ જાગૃત નાગરિકને ઉદ્ધત જવાન આપી જણાવ્યું હતું કે આમોદ પાલિકાના મુખ્ય અધિકારીને જાણ કરો. જેથી સ્થાનિકો પાલિકા પ્રમુખ પતિના ઉદ્ધતાઈ ભર્યા જવાબથી સમસમી ઉઠ્યા હતા.ત્યાર બાદ આમોદ પાલિકાના મુખ્ય અધિકારીને જાણ કરતાં માત્ર બે દિવસ પ્રેશરથી અને સમયસર પાણી મળ્યું હતું.
સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું કે જો અમારા વિસ્તારમાં પાણી નહીં આપવામાં આવે તો પાલિકા કચેરી બહાર માટલાં ફોડવામાં આવશે.