રમત-ગમતથી યુવાઓમાં છુપાયેલ કૌશલ્ય અને સુશુપ્ત શક્તિઓ બહાર આવે છે
વ્યારા: રમત ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ અને સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલિત અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ ૨૦૧૯ અંતર્ગત તાપી જિલ્લા કક્ષાની વિવિધ ૨૨ સ્પર્ધાઓમાં વિજેતા બનેલ જિલ્લાના રમતવીરોનો સન્માન સમારોહ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારની ઉપસ્થિતીમાં યોજાયો હતો. જેમાં ખેલ મહાકુંભ ૨૦૧૯ અંતર્ગત તાપી જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી વિજેતા બનેલ રમતવીરોનું ટ્રોફી-સન્માન પત્ર તથા આપી સન્માન કરાયું હતુ.
આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતુ કે, રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભના માધ્યમથી રમતગમતનું વાતાવરણ સાથે ભાઈચારાની ભાવના પેદા થાય અને ખેલાડીઓ આ ક્ષેત્રે આગળ આવી પોતાના સમાજ ગામ શહેર તાલુકા જિલ્લા અને રાજયને ગૌરવ અપાવવાની દિશામાં પ્રગતિ કરે તેમજ શારિરીક સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવાના ઉમદા હેતુથી તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ ૨૦૧૦થી રાજ્યમાં ખેલમહાકુંભની શરૂઆત કરવામાં આવી હતી.
રમતોથી યુવાઓમાં છુપાયેલ કૌશલ્ય અને સુશુપ્ત શક્તિઓ બહાર આવે છે તેમ જણાવી ખેલમહાકુંભ અંતર્ગત યોજવામાં આવતી રમતોની જાણકારી આપીને ઉમેર્યુ કે, સરકાર દ્વારા દિવ્યાંગ ખેલાડીઓ માટે પણ સ્પે.ખેલમહાકુંભ યોજવામાં આવે છે. શિક્ષણ સાથે રમતના સમન્વય માટે ઈનસ્કુલ યોજના હેઠળ પ્રાથમિક- માધ્યમિકમાં ભણતા બાળકોમાં પણ રમત ગમતનું સ્તર ઉંચુ લાવવા ટ્રેનરોને તાલીમ આપવામાં આવી રહી છે.
આ તકે ખેલ મહાકુંભની શોધ એવા દક્ષિણ ગુજરાતના સરિતા ગાયકવાડ, મુરલી ગાવીત, હરમીત દેસાઈ જેવા ખેલાડીઓએ એશિયન અને કોમનવેલ્થ ગેમ્સમાં મેડલો મેળવી ગુજરાતનું નામ સમગ્ર વિશ્વમાં ગુંજતુ કર્યુ છે તેમ પણ જણાવ્યું હતુ. આ પ્રસંગે મંત્રી સહિત મહાનુભાવોના હસ્તે જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી વિજેતા બનેલ રમતવીરોનું ટ્રોફી-સન્માન પત્ર તથા આપી સન્માન કરાયું હતુ.
કાર્યક્રમની શરૂઆતમાં સ્વાગત પ્રવચન કરતા રમતગમતાધિકારી અમરસિંહરાઠવાએ તાપી જિલ્લામાં ખેલમહાકુંભ -૨૦૧૯ દરમિયાન યોજવામાં આવેલ વિવિધ સ્પર્ધા અને વિજેતા ખેલાડીઓનીજાણકારી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, તાપી જિલ્લામાં આ વર્ષે ખેલમહાકુંભમાં ૬૭૧૪૯ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવેલ જે પૈકી ૪૮૭૫૫ ખેલાડીઓએ તાલુકા/જિલ્લા કક્ષાની રમતોમાં ભાગ લીધો હતો.
કાર્યક્રમમાં કલેક્ટર આર.જે.હાલાણી, ઈ.ચા.જિલ્લા વિકાસ અધિકારી નીનામા, પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશ પટેલ,વ્યારા પ્રાંત તુષાર જાની, નગર પાલિકા પ્રમુખ મહેરનોશ જોખી, યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ ગાંધીનગરના ભરતસિંહ ગોહિલ, સીનીયર કોચ ચેતન પટેલ, રાજ્ય પાઠય પુસ્તક મંડૅળના સભ્ય અજય શાહ, પક્ષ મહામંત્રી રાજેન્દ્રકુંવરસિંહ શાળાના આચાર્યો,વ્યાયામ શિક્ષકો મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં રમતવીરો ઉપસ્થિત રહયા હતા. અરવિંદભાઈ ગામીતે કાર્યક્રમનું આગવી શૈલીમાં સફળ સંચાલન કર્યુ હતુ જ્યારે આભાર વિધી યુવા વિકાસ અધિકારી અમૃતાબેન ગામીતે કરી હતી.