રવિના ટંડને બાળકની જેમ હિમવર્ષાની મજા માણી
મુંબઈ: બોલિવુડ એક્ટ્રેસ રવિના ટંડન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. એક્ટ્રેસ હાલ શૂટિંગ માટે મનાલીમાં છે ત્યારે ત્યાંથી સુંદર તસવીરો શેર કરી રહી છે. હાલમાં જ મનાલીમાં હિમવર્ષા થઈ હતી ત્યારે રવિનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તેનો આનંદ માણતી તસવીરો અને વિડીયો શેર કર્યા હતા. રવિનાએ ઈન્સ્ટાગ્રામ પર એક બૂમરેંગ વિડીયો શેર કર્યો છે. જેમાં બાળકની જેમ એક્ટ્રેસ હિમવર્ષની મજા લઈ રહી છે. આ વિડીયોની સાથે રવિના ટંડને બીજા વિડીયો શેર કર્યા છે.
જેમાં નજર પહોંચે ત્યાં સુધી બરફ જ બરફ દેખાય છે. વૃક્ષો, રસ્તા અને પહાડો બરફથી ઢંકાઈ ગયા છે. કુદરતીની સુંદરતા ચારેકોર દેખાઈ રહી છે અને આકાશમાંથી બરફ વરસી રહ્યો છે. આ વિડીયો શેર કરતાં રવિનાએ લખ્યું, જ્યારે હિમવર્ષા થતી હોય ત્યારે જાદુઈ વિન્ટર વન્ડરલેન્ડમાં પહોંચી જાઉં છું. ચિંતાઓ ભૂલી જાવ છો અને તમારી અંદરનું બાળક બહાર આવી જાય છે. જો જાદુ હોય તો હું માગીશ કે દુનિયા સાજી થઈ જાય અને સૌ માટે પ્રાર્થના કરીશ. તમામ જીવો અને આત્માઓ ખુશ અને મુક્ત રહેવી જોઈએ.
આ ઉપરાંત રવિનાએ પોતાની બીજી તસવીર શેર કરી છે જેમાં તે ફો જેકેટ પહેરેલી જોવા મળે છે. આ તસવીરે શેર કરતાં એક્ટ્રેસે લખ્યું, “જ્યારે મનાલીમાં હો ત્યારે મનાલીવાસીઓ કરે છે તેવું કરો! ગરમ રહો ભાઈ! નવા નિયમો લાગી રહ્યા છે, રાત્રે ૮ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે. કુદરત આઠ વાગ્યા પછી શ્વાસ લઈ શકશે. છેલ્લા ઘણા દિવસથી રવિના ટંડન મનાલીમાં શૂટિંગ કરી રહી છે.
રવિનાએ પોતાનો બર્થ ડે પણ મનાલીમાં સેલિબ્રેટ કર્યો હતો. આ ઉપરાંત કરવા ચોથ અને દિવાળી જેવા તહેવારો પણ અહીં જ ઉજવ્યા હતા. રવિના મનાલીના કુદરતી સૌંદર્યના પ્રેમમાં પડી ગઈ છે. તેનું સોશિયલ મીડિયા અકાઉન્ટ મનાલીની સુંદર તસવીરો અને વિડીયોથી ઊભરાઈ રહ્યું છે.