Western Times News

Gujarati News

રવિવારે દેશભરમાં જનતા કર્ફ્યુ રાખવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આહવાન

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કોરોના વાઇરસના મુદ્દે દેશની જનતાને સંબોધતા જણાવ્યુ હતુ કે, દેશમાં કોરોના વાઇરસ ફેલાય રહ્યો છે જેની કોઇ દવા હજુ સુધી શોધાઇ નથી. વિશ્વભરના દેશો આ મહામારીથી પીડીત છે. ત્યારે હવે ભારત પણ બાકાત નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોનાવાયરસને લઇને આજે દેશને સંબોધિત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે બીજા વિશ્વયુદ્ધમાં જેટલા દેશ પ્રભાવિત નહોતા થયા તેટલા કોરોના વાયરસના લીધે થયા છે. બુધવારે વડાપ્રધાને કોરોના વાયરસને લઇને કરવામાં આવેલા ઉપાયો અંગે એક સમીક્ષા બેઠક બોલાવી હતી. પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કરીને જણાવ્યું કે બેઠકમાં સંક્રમણને રોકવાની તૈયારીઓ મજબૂત કરવા અને સુવિધાઓ વિસ્તારવા અંગે ચર્ચા થઇ હતી. પ્રધાનમંત્રીએ સંક્રમણ રોકવા માટે કામ કરી રહેલી રાજ્ય સરકારો, ડોક્ટર્સ, પેરામેડિકલ કર્મચારીઓ, પેરામિલિટરી ફોર્સ અને એવિએશન સેક્ટર, નગરપાલિકા કર્મચારીઓ અને આ કામમાં લાગેલા દરેક લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ભારતના 130 કરોડ નાગરીકોને સંયમ અને સંકલ્પ કરવા અનુરોધ કર્યો હતો. કોરોના વાઇરસ ફેલાતો અટકાવવા માટે તેમણે પ્રથમ સંકલ્પ તરીકે તા.22મી માર્ચના રવિવારના રોજ દેશભરમાં જનતા કર્ફ્યુનો અમલ કરવા આહ્વાન કર્યુ હતુ અને આ માટે તેમણે સ્થાનિક પ્રશાસન તંત્રોને એલર્ટ કર્યા છે. સાથે સાથે આજથી જ દરેક પરિવારમાં 60થી વધુ ઉંમર ધરાવતા નાગરીકોને ઘરની બહાર નહીં  નીકળવાની પણ સલાહ આપી છે. સામાન્ય નાગરીકોને પણ કામવગર ઘરની બહાર નહીં નીકળવા જણાવાયું છે તથા દરેક નાગરીકે ભીડભાડ વાળી જગ્યા પર નહીં જવાનો અનુરોધ કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.