Western Times News

Gujarati News

રવિવારે પણ તમામ સેન્ટર પર ૧૮ થી ૪૪ વય જૂથના લોકોનો રસી અપાશે

પ્રતિકાત્મક

અમદાવાદ જિલ્લામાં ૧૮ થી ૪૪ વય જૂથના ૬૦૦૦ લોકોને દૈનિક ધોરણે રસી આપવાનો લક્ષ્યાંક

• ૯ તાલુકામાં ૩૦ પ્રાથમિક આરોગ્ય કેંદ્રો અને વિવિધ સેશન સાઈટ પર નિ:શુલ્ક વેક્સિન અપાશે.
• અમદાવાદ જિલ્લામાં ૫૦ સેન્ટર રસીકરણની વેગવંતી કામગીરી

‘’ રસીકરણ થકી યુવાવર્ગ કોરોનાને નાથવામાં ઉત્સાહથી સહભાગી બની રહ્યો છે ‘’ અમદાવાદ જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી શૈલેશભાઈ પરમાર

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં કોરોનાને ઝડપથી નિયંત્રણમાં લાવવાના ઉદેશ્યથી અને વધુને વધુ લોકોને કોરોનાથી રક્ષણ મળી રહે તે માટે આજથી તા.૪ જૂનથી રાજ્યના તમામ જિલ્લા-તાલુકામાં ૧૮ થી ૪૪ની વયના લોકોને કોરોના વેક્સિનેશન વિનામૂલ્યે આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

યુવાનોમાં વેક્સિનેશન અંગે જોવા મળેલી જાગૃતિ અને ઉત્સાહને વેગ આપતાં હવે અમદાવાદ જિલ્લાના ૯ તાલુકાઓમાં ૩૦ પ્રાથમિક આરોગ્ય કેંદ્રો અને અમદાવાદ ગ્રામ્યની વિવિધ કેંદ્રની સેશન સાઈટ પરથી ૧૮ થી ૪૪ ની વય જૂથના લોકોને વિનામૂલ્યે વેક્સિનમાં આવરી લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત અમદાવાદ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા રોજીંદા ૬૦૦૦ લોકોને રસી આપવાનો લક્ષ્યાંક રાખવામા આવ્યો છે.

આ અંગે માહિતી આપતા જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી શૈલેશભાઈ પરમારે જણાવ્યું કે ‘’અમદાવાદ ગ્રામ્યમાં ૩૦ સેન્ટર પર દરરોજ ૬ હજાર લોકો જેઓ ૧૮ થી ૪૪ ની વયજૂથના યુવાનો જેમણે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવેલું હશે તેમને SMS દ્વારા તેમના વેક્સિનેશન માટેનું સ્થળ, સમય અને સ્લોટની જાણ કરવામાં આવશે.

તે અનુસાર તેમણે નિયત કરેલા કેન્દ્રો પર જશે ત્યાં તેમને વેક્સિન વિનામૂલ્યે અપાશે. દરેક કેંદ્ર પર ૨૦૦ લોકોનું રસીકરણ થાય તેવો લક્ષ્યાંક રાખવામાં આવેલ છે.

આ ઉપરાંત અમદાવાદ ગ્રામ્યના ૨૦ સેન્ટરો પર અગાઊથી જ ૪૫ થી વધુ વય ધરાવતા લોકોનું રસીકરણ પણ ચાલું જ છે. એટલે અમદાવાદ જિલ્લામાં કુલ ૫૦ સેન્ટરો પર રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે. અને રોજના ૧૦ હજાર લોકોનું રસીકરણ થાય તેવો અમદાવાદ જિલ્લા વહિવટી તંત્રનો લક્ષ્યાંક રહેલો છે.

જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી એ વધુમાં જણાવ્યું હતું કે તમામ સેન્ટરો પર રવિવારના દિવસે પણ રસીકરણની કામગીરી કરવામાં આવશે. જિલ્લાના તમામ યુવાનો વધુને વધુ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરીને રસી લઈને કોરોનાની ગંભીર મહામારીને નાથવામાં ઉત્સાહથી સહભાગી બને તેવો અનુરોધ કર્યો હતો. દરેક લોકોએ વેક્સિન લીધા બાદ પણ કોવિડના તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.