રવિશંકર પ્રસાદ તામિલનાડુના રાજ્યપાલ બને એવી શક્યતા
નવીદિલ્હી: મોદી કેબિનેટમાંથી હટાવવામાં આવેલા રવિશંકર પ્રસાદને તામિલનાડુના રાજ્યપાલ બનાવવાની અટકળો છે. સ્થાનિક મીડિયાએ માહિતી આપી છે કે રવિશંકર પ્રસાદને તામિલનાડુના રાજ્યપાલ બનાવવાનો ર્નિણય કરવામાં આવ્યો છે, જાેકે આ અંગેની અધિકારિક જાહેરાત થવાની બાકી છે.
જાેકે આ અંગે અત્યારસુધીમાં સંગઠન કે સરકાર તરફથી કંઈ જ કહેવામાં આવ્યું નથી, જ્યારે પ્રસાદ તરફથી આવી કોઈ માહિતી મળી નથી. તામિલનાડુમાં હાલ બનવારીલાલ પુરોહિત ગર્વનર છે.મોદી કેબિનેટમાંથી હટાવવામાં આવેલા મોટા ચહેરાઓમાં રવિશંકર પ્રસાદ અને પ્રકાશ જાવડેકરને સંગઠનમાં કોઈ મોટું પદ આપવાની ચર્ચા પહેલેથી ચાલી રહી છે. એવામાં રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના અધ્યક્ષ જે. પી. નડ્ડાની પાર્ટી મહાસચિવની સાથેની બેઠક પછી રવિશંકર પ્રસાદની તામિલનાડુના રાજ્યપાલ તરીકે નિમણૂકની વાત કહેવાઈ રહી છે.
પાર્ટીનાં સૂત્રોનો દાવો છે કે આગામી વર્ષે ઉત્તરપ્રદેશ સહિત ૫ રાજ્યમાં થનારી વિધાનસભા ચૂંટણી પહેલાં રવિશંકર પ્રસાદ અને પ્રકાશ જાવડેકરને સંગઠનમાં રાષ્ટ્રીય મહાસચિવ કે ઉપાધ્યક્ષ બનાવવામાં આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ કેન્દ્રીય કેબિનેટમાં થયેલી ફેરબદલમાં પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ ભૂપેન્દ્ર યાદવને સામેલ કરવામાં આવ્યા છે. એવામાં તેમની જગ્યાએ કોઈ મજબૂત અને અનુભવી નેતાને સ્થાન મળી શકે છે. પ્રસાદ અને જાવડેકર પહેલાં પણ પાર્ટી સંગઠનમાં મોટી જવાબદારી નિભાવી ચૂક્યા છે.
રવિશંકર પ્રસાદને તામિલનાડુના રાજ્યપાલ બનાવવામાં આવશે તો તે થાવરચંદ ગેહલોત પછી ગવર્નરની જવાબદારી સંભળનારા બીજા નેતા હશે. ગેહલોતે કેબિનેટમાંથી રાજીનામું આપ્યું કે તરત તેમને કર્ણાટકના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, પ્રસાદ અને જાવડેકરને મહત્ત્વની જવાબદારી સોંપવાનો ર્નિણય કરવામાં આવ્યો છે.
૬૬ વર્ષના રવિશંકર પ્રસાદ પટના સાહિબથી લોકસભા સાંસદ છે. તેઓ અટલ બિહાર વાજપેયી સરકારમાં કોલસા મંત્રાલય, કાયદો અને ન્યાય મંત્રાલય અને સૂચના તથા પ્રસારણ મંત્રાલયની જવાબદારી સંભાળી ચૂક્યા છે. એની સાથે જ મોદી સરકારમાં તેઓ કાયદો અને ન્યાયમંત્રી, સંચારમંત્રી રહી ચૂક્યા છે. જ્યારે ૭૦ વર્ષના પ્રકાશ જાવડેકર મહારાષ્ટ્રમાંથી રાજ્યસભા સાંસદ છે. તેઓ મોદી મંત્રીમંડળમાં સંસદીય કાર્યમંત્રી, માનવ સંસાધન વિકાસમંત્રી, ભારે ઉદ્યોગ અને સર્વાજનિક ઉપક્રમ મંત્રી, પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તનમંત્રી અને સૂચના અને પ્રસારણમંત્રી રહી ચૂક્યા છે.