રવિ શાસ્ત્રીને હેડ કોચ તરીકે પસંદ કર્યા : 2021ના ટી-20 વર્લ્ડ કપ સુધી ફરજ નિભાવશે
બીજી ટર્મમાં રવિ શાસ્ત્રીને ટીમ ઇન્ડિયાના હેડ કોચ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. બીસીસીઆઈએ શુક્રવારે જાહેર કર્યું હતું કે, “કપિલ દેવની આગેવાનીમાં ક્રિકેટ એડવાઈઝરી કમિટી (CAC)એ વિવિધ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લીધા પછી શાસ્ત્રીની પસંદગી કરી છે. બીસીસીઆઈ CACના નિર્ણયથી સહમત છે ને શાસ્ત્રી 2021ના ટી-20 વર્લ્ડકપ સુધી કોચ પદ જાળવી રાખશે.”
કપિલ દેવે કહ્યું હતું કે ત્રણ ઉમેદવાર- રવિ શાસ્ત્રી, માઈક હેસન અને ટોમ મૂડી વચ્ચે ગળાકાપ ટક્કર હતી. અમારા રેન્કિંગમાં શાસ્ત્રી પ્રથમ, હેસન બીજા અને મૂડી ત્રીજા સ્થાને રહ્યો હતો. જયારે અંશુમાન ગાયકવાડે કહ્યું હતું કે શાસ્ત્રી ટીમને, ટીમની પ્રોબ્લમને અને સિસ્ટમને સારી રીતે જાણે છે. તેણે બહુ સારી રીતે ટીમ ઇન્ડિયા માટે પોતાનું વિઝન પ્રેઝન્ટ કર્યું હતું. તેથી અમે તેની પસંદગી કરી છે.
ભારતના હેડ કોચ બનવા માટે માઈક હેસન, ટોમ મૂડી, રોબિન સિંહ, લાલચંદ રાજપૂત, ફિલ સિમન્સ અને રવિ શાસ્ત્રી શોર્ટ લિસ્ટ થયા હતા. ઇન્ટરવ્યૂના દિવસે વિન્ડીઝના પૂર્વ ક્રિકેટર ફિલ સિમન્સે પારિવારિક કારણોસર પોતાનું નામ પાછું ખેંચ્યું હતું.