રશિયનો ૨૨ ઈંચ બરફવર્ષામાં ઠૂંઠવાયાઃ પિટ્સબર્ગમાં વિમાન લપસી પડ્યું
ટોકયો: રશિયાની રાજધાનીમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. જેના પગલે અનેક જગ્યાએ બે ફૂટ જેટલી બરફની ચાદર છવાઈ ગઈ હતી. ઠેર ઠેર અનેક માર્ગો બંધ કરવાની ફરજ પડી હતી અને તેના પગલે ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા ઠપ થઈ ગઈ હતી. અનેક ફ્લાઈટો તેના કારણે મોડી પડી હતી.
ભારે હિમવર્ષાને પગલે રશિયાની રાજધાની મૉસ્કોમાં તાપમાન પણ માઈનસ ૧૫ ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડી ગયું હતું. શહેરમાં હાલમાં ભારે પવન ફૂંકાવાને પગલે રશિયાની ઈમરજન્સી સેવાએ લોકોને વૃક્ષોથી દૂર રહેવા અને ઘરમાં રહેવાની સલાહ આપી હતી. રશિયામાં ૨૨ ઈંચ હિમવર્ષા થઈ હતી. મૉસ્કોના મેયરે જણાવ્યું કે હાલમાં ૬૦,૦૦૦ લોકો રસ્તા પરથી બરફ હટાવવાની કામગીરી કરી રહ્યા છે.
પિટ્સબર્ગ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ડેલ્ટા એરલાઈન્સનું એક વિમાન રનવે પરથી ઉડ્ડયન શરૂ કરવા દોડતું થયું ત્યારે ઉડ્ડયનની થોડી ક્ષણો પહેલા જ રનવે પરથી લપસી ગયું હતું. જાે કે વિમાનમાં સવાર ૭૭ લોકોને કોઈ મુશ્કેલી પડી નથી. વિમાનને સામાન્ય નુકસાન થયું છે.