રશિયન સેનાના યુક્રેનના પોર્ટ સિટી મારિયુપોલને સંપૂર્ણ રીતે પોતાના કબજામાં લેવા માટે ધમપછાડા

મોસ્કો, કાળા સાગરમાં પોતાના એક મહત્વપૂર્ણ જહાજને ગુમાવ્યા બાદ રશિયાએ યુક્રેન પર હુમલા વધારી દીધા છે. રશિયન સેના યુક્રેનના પોર્ટ સિટી મારિયુપોલને સંપૂર્ણ રીતે પોતાના કબજામાં લેવા માટે ધમપછાડા કરી રહી છે. સેનાએ રવિવારે એક વિશાળ સ્ટીલ પ્લાન્ટને નષ્ટ કરી દીધો. રશિયાએ યુક્રેનના સૈનિકોને સરન્ડર કરવા જણાવ્યું પરંતુ યુક્રેને ચોખ્ખી ના પાડી દીધી છે.
યુક્રેનના પ્રધાનમંત્રીનું કહેવું છે કે મારિયુપોલમાં તેમના સૈનિકો ડટીને રહેશે અને છેલ્લા શ્વાસસુધી રશિયાનો સામનો કરશે. આ બાજુ રશિયાની સેનાએ મારિયુપોલમાં તૈનાત યુક્રેની સૈનિકોને કહ્યું કે જાે તેઓ પોતાના હથિયારો હેઠાં મૂકી દેશે તો તેમને તેમના જીવતા રહેવાની ગેરંટી આપવામાં આવશે. રશિયન રક્ષા મંત્રાલય તરફથી રવિવારે કહેવામાં આવ્યું કે યુક્રેની સૈનિકો સરન્ડર કરશે તો જ બચી શકશે.
રશિયાના રક્ષા મંત્રાલયના પ્રવક્તા કોનાશેનકોવે કહ્યું કે જે લોકો વિરોધ ચાલુ રાખશે તેમનો ખાત્મો નક્કી છે. જેના જવાબમાં યુક્રેનના પ્રધાનમંત્રી ડેનિસ શિમગલે કહ્યું કે અમે આ યુદ્ધમાં જીત માટે છેલ્લે સુધી લડી લઈશું. યુક્રેન કૂટનીતિ દ્વારા યુદ્ધ સમાપ્ત કરવા તૈયાર છે, પરંતુ અમારો ઈરાદો આત્મસમર્પણનો નથી. આ બાજુ યુક્રેનના ઉપ રક્ષામંત્રી હન્ના માલયારે મારિયુપોલને યુક્રેનની રક્ષા કરનારી ઢાલ તરીકે ગણાવ્યું. તેમણે કહ્યું કે મારિયુપોલ પર રશિયાના હુમલા છતાં યુક્રેની સેના ત્યાં ડટેલી છે.
રશિયા જલદી મારિયુપોલ કબજે કરવા માંગે છે. કારણ કે આમ કરવાથી તેને ક્રિમિયા સુધીનો ગ્રાઉન્ડ કોરિડોર મળી જશે. મારિયુપોલમાં યુક્રેની દળોને હરાવ્યા બાદ ત્યાં તૈનાત રશિયન ફોર્સ ડોનબાસ તરફ આગળ વધી શકશે. રશિયાએ ૨૦૧૪માં ક્રિમિયા પર કબજાે કર્યો હતો. અત્રે જણાવવાનું કે રશિયા-યુક્રેન યુદ્ધને ૫૦ દિવસથી વધુ સમય થઈ ગયો છે. પરંતુ હજુ સુધી કોઈ નક્કર પરિણામ સામે આવ્યું નથી.HS