રશિયન સેના દુનિયાની સૌથી જંગલી અને અમાનવીય સેના: ઝેલેન્સ્કી
નવી દિલ્હી, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા જંગમાં યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીએ આરોપ લગાવતા કહ્યુ છે કે, રશિયાની સેના દુનિયાની સૌથી જંગલી સેના છે. રશિયાના સૈનિકોએ જંગાલિયતની તમામ હદો પાર કરી દીધી છે.
તેમણે કહ્યુ હતુ કે, રશિયાની સેના પાસે જેટલા પણ હથિયાર છે તે તમામનો યુક્રેન સામે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રશિયાના સૈનિકોએ એ દરેક વસ્તુ તેમજ વ્યક્તિને ટાર્ગેટ કર્યા છે જે યુક્રેનને મદદ કરી શકે તેમ હોય.
જેલેન્સ્કીએ કહ્યુ હતુ કે, રશિયાના સૈનિકો આમ નાગરિકોની હત્યા કરી રહ્યા છે. વિશ્વના ઈતિહાસમાં રશિયાની સેના પોતાનુ નામ સૌથી જંગલી અને અમાનવીય સેના તરીકે લખાવવા જઈ રહી છે.
તેમણે પશ્ચિમના દેશોને અપીલ કરી હતી કે, અમને વહેલી તકે હથિયારો પૂરા પાડવામાં આવે. જેથી અમે હજારો લોકોના જીવ બચાવી શકીએ.
દરમિયાન રશિયાએ યુક્રેનના પૂર્વ વિસ્તારમાં ડોનબાસ પરના હુમલા વધારે ઉગ્ર બનાવ્યા છે. જેથી આ વિસ્તારની કોલસાની ખાણો અને કારખાનોએ પર કબ્જો કરી શકાય. જોકે યુક્રેનની સેના પણ આ હુમલાઓનો જડબાતોડ જવાબ આપી રહી છે.