રશિયાએ ઉત્તર એટલાન્ટિકમાં પરમાણુ સબમરીન્સ તૈનાત કરી

કીવ, યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં સીઝફાયર માટેની કોઈ જ સ્થિતિનું સર્જન નથી જણાઈ રહ્યું અને પરિસ્થિતિ વધારે વિકટ બની રહી છે. આ બધા વચ્ચે પશ્ચિમી દેશોને ધમકાવ્યા બાદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પોતાની પરમાણુ સબમરીન્સને ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં રવાના કરી દીધી છે. ઉત્તર એટલાન્ટિક મહાસાગરની આસપાસ યુરોપના અનેક દેશ ઉપસ્થિત છે.
પુતિને પશ્ચિમી દેશોને પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવાની ધમકી આપી તેના એક દિવસ બાદ પરમાણુ સબમરીન્સને ઉત્તરી એટલાન્ટિકમાં રવાના કરી છે. ઉલ્લેખનીય છે કે, પુતિને યુક્રેન પરના આક્રમણના થોડા સમય બાદ પોતાની ન્યુક્લિયર ડિટરેન્ટ ફોર્સીઝને એલર્ટ રહેવાનો આદેશ આપ્યો હતો.
ત્યારે હવે અનેક રશિયન સબમરીન્સ જે ૧૬ બેલેસ્ટિક મિસાઈલ્સને લઈ જવા માટે સક્ષમ છે તે ઉત્તરી એટલાન્ટિક મહાસાગરમાં ઉતરી ગઈ છે. પશ્ચિમી દેશોની ગુપ્તચર એજન્સીઓ પુતિનના ન્યુક્લિયર હથિયારોના ભંડાર પર નજર રાખીને બેઠી છે.
રશિયાની સરહદને લઈ મહત્વકાંક્ષી રહેલા પુતિન પાસે ૪,૪૪૭ પરમાણુ હથિયાર સાથે વિશ્વનો સૌથી મોટો પરમાણુ ભંડાર છે. તે પૈકીના હજારો ન્યુક્લિયર હથિયાર એવી રીતે વિકસિત કરવામાં આવ્યા છે કે તે શત્રુના ખાસ ઠેકાણાને સંપૂર્ણપણે તબાહ કરી શકે અને તેનાથી વ્યાપક વિનાશ નથી થતો. સૈન્ય નિષ્ણાતોના કહેવા પ્રમાણે આ હથિયારોનો ઉપયોગ એટલો સરળ નથી પરંતુ રશિયન વૈજ્ઞાનિકો બોમ્બ્સ અને મિસાઈલ્સ મામલે ખૂબ જ નિપુણ છે.SSS