રશિયાએ બનાવી વિશ્વની પ્રથમ કોરોના વૅક્સીન
માૅસ્કો: સમગ્ર વિશ્વમાં હાલ કોરોના વાઈરસના પોઝિટિવ કેસ ઝડપથી વધી રહ્યા છે. આ સાથે જ વૈજ્ઞાનિકોએ મહામારી સામે જીતવા માટે તેની વૅક્સીન બનાવવાની કોશિશ પણ ઝડપી કરી દીધી છે. હાલ વિશ્વભરમાં ડઝન કરતા વધુ વૅક્સીન હ્યૂમન ટ્રાયલ સ્ટેજમાં પહોંચી ચૂકી છે, ત્યારે રશિયામાંથી એક સારા સમાચાર સામે આવ્યા છે. અહીંની એક યુનિવર્સિટીમાં કોરોના વાઈરસના વૅક્સીનની ટ્રાયલ સફળતાપૂર્વકપૂર્ણ થઈ ગઈ છે.
માૅસ્કો સ્થિતિ સેચેનાૅવ સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીના મેડિસિન ડિપાર્ટમેન્ટના ડિરેક્ટર વાદિમ તારાસોવે આ વાતની પુષ્ટી કરી છે. તેમણે જણાવ્યું કે, વૅક્સીનનીં પ્રથમ હ્યુમન ટ્રાયલ સફળ રહ્યું છે. જેમાં પ્રથમ બેચના વાૅલેન્ટિયર્સને બુધવારે અને બીજી બેચના વાૅલેન્ટિયર્સને ૨૦ જુલાઈ સુધીમાં ડિસ્ચાર્જ કરી દેવામાં આવશે.
યુનિવર્સિટીએ રશિયાના ગમલેઈ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એપિડેમિયોલાૅજી તરફથી મળેલી વૅક્સીનનું ૧૮ જૂનથી ટ્રાયલ શરૂ કર્યું હતું. જે બાદ કોરોનાની આ પ્રથમ વૅક્સીનનું ટ્રાયલ એક મહિના કરતા પણ ઓછી સમયમાં પૂર્ણ થઈ ચૂક્યું છે.
સેશોનોવ યુનિવર્સિટીમાં ઈન્સ્ટીટ્યૂટ ઓફ પૈરાસાઈટોલાૅજીના ડિરેક્ટર એલેક્ઝેન્ડર લુકાશેવે જણાવ્યું કે, વૅક્સીનની સુરક્ષા સાથે સંકળાયેલ માપદંડ પૂરા કરી લેવામાં આવ્યા છે. વૅક્સીનના આગળના ડેવલાૅપમેન્ટ માટેનું કામ પણ શરૂ થઈ ચૂક્યું છે. હવે દેશમાં મહામારીની સ્થિતિ સુધારવા અને વૅક્સીનનું ઉત્પાદન વધારવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, વિશ્વમાં અત્યાર સુધી કોરોનાની ડઝનભર વૅક્સીનનું ક્લિનિકલ ટ્રાયલ પૂર્ણ થઈ ચૂક્યું છે. જેમાં મોટાભાગની વૅક્સીન અમેરિકામાં જ ટેસ્ટ થઈ રહી છે. આ ઉપરાંત ભારતમાં પણ ૪ વૅક્સીન હ્યૂમન ટ્રાયલ સ્ટેજમાં છે. જેમાંથી એક ભારત બાયોટેકની કોવૈક્સિન છે, જ્યારે અન્ય એખ વૅક્સીન ઝાયડસ કેડિલા કંપની બનાવી રહી છે.
આ ઉપરાંત અન્ય બે ભારતીય કંપનીઓ પણ ક્લિનિકલ ટ્રાયલ માટે કામ કરી રહી છે. જો કે આટલી વૅક્સીનના ટેસ્ટિંગ છતાં વિશ્વભરના વૈજ્ઞાનિકો ફાઈનલ કોરોના વૅક્સીન આવવામાં ૨૦૨૧ સુધીનો સમય લાગશે તેવું અનુમાન લગાવી રહ્યા છે.