રશિયાએ મહાવિનાશક પરમાણુ ટોર્પિડો બનાવ્યો

સ્કો, સુપરપાવર રશિયાએ પરમાણુ ફર્જાથી સંચાલિત એક મહાવિનાશક ઓટોનોમસ ડ્રોન ટોર્પિડો બનાવ્યો છે. આ ટોર્પિડો અમેરિકાના શહેરોમાં ત્સુનામી લાવવા માટે સક્ષમ છે. આ રશિયન ટોર્પિડોનું નામ પોસાઇડન રાખવામાં આવ્યું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આ ડ્રોન ટોર્પિડોને સેનામાં સામેલ કર્યો છે. રશિયન મીડિયા પ્રમાણે પુતિને આ ઘાતક ડ્રોન ટોર્પિડોનું નિર્માણ એટલા માટે કર્યુ છે કે દુશ્મનને જડબાતોડ જવાબ આપી શકાય, જો કે રશિયાએ એવું વચન પણ આપ્યું છે કે તે પહેલા આ મહાવિનાશક હથિયારનો પ્રયોગ કરશે નહીં.
રશિયાના પોસાઇડન નામના આ મહાવિનાશક હથિયારને કારણે ચિંતામાં મુકાયેલા અમેરિકાના સહાયક વિદેશ મંત્રી ક્રિસ્ટોફર ફોર્ડે આરોપ લગાવ્યો છે કે આ હથિયાર અમેરિકાના શહેરોનો વિનાશ કરી શકે છે. આ સિવાય અમેરિકાએ રશિયાની આંતરરાષ્ટ્રીય કાનૂન પ્રત્યેની પ્રતિબદ્ધતા ઉપર પણ સવાલ ઉઠાવ્યા છે. ફોર્ડે શુક્રવારે કહ્યું હતું કે પોસાઇડન એક ચિંતાજનક હથિયાર છે. અમારુ માનવું એવું છે કે રશિયાની મંશા સારી નથી. રશિયા આ હથિયાર વડે અમેરિકાના શહેરોનો નાશ કરવા માંગે છે. તો સાથએ જ અમેરિકાએ આ હથિયારના કામ કરવાની પદ્ધતિને લઇને પણ સવાલો ઉઠાવ્યા છે.