રશિયાએ યુક્રેનના ટીવી ટાવર પર બોમ્બ ઝીંકતા 19ના મોત
નવી દિલ્હી, રશિયા અને યુક્રેન વચ્ચેના જંગને વીસ દિવસ થઈ ગયા છે. યુક્રેનનો દાવો છે કે, ડોનબાસમાં યુક્રેન અને રશિયાની સેના વચ્ચેના જંગમાં 100 રશિયન સૈનિકોના મોત થયા છે.6 રશિયન મિલિટરી વાહનોને તબાહ કરી દેવાયા છે.
બીજી તરફ રિવને નામના શહેરના ટીવી ટાવર પર રશિયાએ હુમલો કર્યો છે અને તેમાં 19 લોકોના મોત થયા હોવાનો દાવો આ પ્રાંતના ગર્વનરે કર્યો છે.હાલમાં પણ અહીંયા રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યુ છે.સંખ્યાબંધ લોકો ઘાયલ પણ થયા હોવાના અહેવાલો છે.
યુક્રેનની રાજધાની કીવ પર રશિયાએ મિસાઈલ એટેક કર્યો છે અને નવ માળના એપાર્ટમેન્ટ પર મિસાઈલ ખાબકી છે.જેમાં બે લોકોના મોત થયા છે.બીજા સેકડો લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. અમેરિકાના સંરક્ષણ વિભાગનો દાવો છે કે, રશિયાએ યુક્રેન પર 900 કરતા વધારે મિસાઈલો લોન્ચ કરી છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીનુ કહેવુ છે કે, આટલા દિવસના યુધ્ધમાં રશિયાએ ચેચેન્યા સામે બે યુધ્ધમાં જેટલા સૈનિક ગુમાવ્યા હતા તેના કરતા બમણા સૈનિક ગુમાવ્યા છે. જેલેન્સ્કીએ યુધ્ધ પર બ્રેક વાગે તે માટે ઈઝરાયેલના વડાપ્રધાન નફતાલી બેનેટ સાથે વાતચીત કરી છે.દરમિયાન યુધ્ધ વચ્ચે પણ યુક્રેન અને રશિયા વચ્ચે મંત્રણા ચાલી રહી છે.આજે પણ બંને દેશોના અધિકારીઓ વચ્ચે એક બેઠક યોજાવાની છે.