Western Times News

Gujarati News

રશિયાના ત્રણ દિવસનો સફળ પ્રવાસ પૂર્ણ કરી મુખ્યમંત્રી પરત ફર્યા

ડાયમંડ અને ટિમ્બરના વ્યાપાર-ઉદ્યોગ માટે રશિયામાં ઉજળી તકો છે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી રશિયાના ત્રણ દિવસનો સફળ પ્રવાસ પૂર્ણ કરી આજે બપોરે ગુજરાત પરત ફર્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ રશિયા પ્રવાસની ફળશ્રુતિ વર્ણવતા કહ્યું કે, રશિયામાં ડાયમંડ અને ટિમ્બરના વ્યાપાર માટેની ખૂબ ઉજળી તકો છે. ગુજરાત અને રશિયા વચ્ચે એક એમ.ઓ.યુ. કરવામાં આવ્યો છે અને હજૂ પણ ઘણી તકો રહેલી છે. આગામી સપ્ટેમ્બર મહિનામાં ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી રશિયાના પ્રવાસે જવાના છે તે પૂર્વે ભારતીય ડેલીગેશનની આ મુલાકાત પાયારૂપ બની રહેશે.

તેમણે કહ્યું કે, રશિયા સાથે ભારતના સારા સંબંધો પહેલેથી રહ્યા છે અને ત્રણ દિવસની સફળ યાત્રા બાદ બંન્ને દેશો વચ્ચેના વ્યાપારી સંબંધો નવી ઉંચાઇ ચોક્કસ પ્રાપ્ત કરે તે માટેના અનેકવિધ પ્રયાસો-આયામો પણ કરવામાં આવ્યા છે. રશિયામાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી માટે ખૂબ જ માન-સન્માન છે તથા ગુજરાતીઓનો પણ ત્યાં વિશેષ પ્રભાવ રહેલો છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વ્લાદિવોસ્તોક પ્રાકૃતિક સંપદાથી ભરપૂર વિસ્તાર છે. ત્યાં પ્રાકૃતિક ડાયમંડ, ગોલ્ડ, ઓઇલ, ગેસ ક્ષેત્રે વ્યાપારની મોટી તકો રહેલી છે. ગુજરાતના કંડલા બંદરેથી મોટા પાયા પર હિરાની નિકાસ થાય છે અને લાકડાની રશિયામાંથી આયાત કરવામાં આવે છે. આફ્રિકા અને મધ્યપૂર્વ દેશોમાં જે પ્રમાણે આપણો વ્યાપાર વિસ્તાર થયેલો છે તે રીતે રશિયામાં પણ ગુજરાતીઓ વ્યાપાર, ઉદ્યોગક્ષેત્ર પ્રગતિ કરી શકે તેવી પૂરી સંભાવનાઓ છે.

રશિયાના લોકોની લાગણી છે કે, ગુજરાતના ઉદ્યોગપતિઓ અમારે ત્યાં આવીને કામ કરે અને પરસ્પરના  વ્યાપારિક સંબંધો વધુ મજબૂત બનાવે. ત્રણ દિવસની યાત્રા આ દૃષ્ટિએ ખૂબ જ ઉપયોગી બની રહેશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ઉદ્યોગ-વાણિજય મંત્રીશ્રી પિયૂષ ગોયલની અધ્યક્ષતામાં રશિયા ગયેલ ડેલિગેશનમાં દેશના ચાર રાજ્યના મુખ્યમંત્રીશ્રીઓ પણ જોડાયા હતા.         મુખ્યમંત્રીશ્રી અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચતા તેમણે આવકારવા માટે મુખ્ય સચિવશ્રી ડો.જે.એન.સિંઘ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી કે.કૈલાશનાથન, જી.એ.ડી.ના અધિક મુખ્ય સચિવશ્રી સંગીતાસિંહ, અમદાવાદ કલેક્ટરશ્રી ડો.વિક્રાંત પાંડે સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.