રશિયાના પ્રમુખ પુતિનની જાહેરાત: નવા વર્ષમાં ભારત સાથેના સંબંધો સુદ્રઢ કરીશું
નવી દિલ્હી, રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિને કહ્યું હતું કે ભારત સાથેના રશિયાના સંબંધો સુદ્રઢ કરવા નવા વર્ષમાં અમે ભારત સાથે સહકાર વધારીશું.
પુતિનેના આ વિધાનથી ચીનને આંચકો લાગે તો નવાઇ નહીં કારણ કે ચીને તાજેતરમાં એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે ભારત અને રશિયાના સંબંધોમાં ખટાશ આવી ગઇ હતી.
પુતિને કહ્યું કે પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ અંગે રશિયા ભારત સાથે સહકાર વધારશે અને સહિયારા મુદ્દાઓની દિશામાં સહકાર વધે એવા પગલાં લેશે.
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદને ક્રિસમસ અને નવા વર્ષની શુભેચ્છાનો સંદેશો મોકલતાં પુતિને કહ્યું હતું કે કોરોના મહામારી અને બીજાં અનેક પડકારો હોવા છતાં રશિયા અને ભારત સતત પ્રગતિ કરી રહ્યા હતા. બંને દેશો વચ્ચેની દોસ્તી અને સહકાર અતૂટ રહ્યા હતા.
પુતિને કહ્યું કે બંને દેશો વ્યાપક રાજકીય સંવાદને ચાલુ રાખી રહ્યા હતા અને રચનાત્મક દ્વિપક્ષી સહકાર વધારી રહ્યા હતા. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને દ્રષ્ટિએ વિવિધ સમસ્યાઓના નિવેડા માટે સહિયારા પ્રયત્નો કરી રહ્યા હતા.
તાજેતરમાં કોરોનાના પગલે ભારત અને રશિયા વચ્ચે યોજાનારી સૂચિત શિખર પરિષદ રદ થઇ એના પગલે ચીને એવો પ્રચાર શરૂ કર્યો હતો કે ભારત અને રશિયાના સંબંધોમાં તિરાડ પડી હતી. બંનેના સંબંધોમાં ખટાશ આવી ગઇ હતી.
દરમિયાન ચીન અને રશિયા વચ્ચે સહકાર વધી રહ્યો હોવાથી રાજકીય સમીક્ષકો એવો અભિપ્રાય વ્યક્ત કરી રહ્યા હતા કે ભારતે ચિંતા કરવા જેવી આ પરિસ્થિતિ હતી. ચીન રશિયા સાથે સહકાર વધારી રહ્યું હતું.
એક તરફ ચીન પાકિસ્તાન, નેપાળ, ભુતાન વગેરે ભારતના પડોશી દેશોમાં પગપેસારો વધારી રહ્યું હતું ત્યારે બીજી બાજુ રશિયા સાથે સહકાર કરી રહ્યું હતું એટલે ભારતે ચેતવા જેવું છે એવું રાજકીય સમીક્ષકો માનતા હતા. હવે પુતિનના આ નિવેદને પરિસ્થિતિ સ્પષ્ટ કરી દીધી હતી એમ કહી શકાય. પુતિનના આ નિવેદનથી ચીનનો પ્રચાર પણ ખોટો હોવાનું પુરવાર થાય છે.