રશિયાને આખરે નાટો (NATO) કેમ નડે છે?
સૈન્યની તાકાત હોય કે પછી સંરક્ષણ પર કરવામાં આવતો મબલક ખર્ચ, બંને મામલે રશિયા અને ૩૦ દેશોના મજબૂત સૈન્ય ગઠબંધન એવા નાટોની કોઈ સરખામણી થાય એમ નથી
રશિયાએ પૂરી ગણતરીપૂર્વક યુક્રેન પર કરેલા હુમલા બાદ વિશ્વભરમાં મહાયુદ્ધની આશંકા વચ્ચે ભારે ફફડાટ ફેલાયો છે ત્યારે ફરી એક વખત નાટો સામે અનેક સવાલો પણ ઉઠવા લાગ્યા છે.
નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન અથવા એટલાન્ટિક એલાયન્સ (NATO) એક આંતરરાષ્ટ્રીય રાજકીય અને લશ્કરી સંગઠન છે જેનો ઉદ્દેશ્ય રાજકીય અને લશ્કરી માધ્યમો દ્વારા તેના સભ્યોની સ્વતંત્રતા અને સુરક્ષાની બાંયધરી આપવાનો છે.
રશિયા જયારે યુક્રેનને તબાહ કરી રહ્યું હતું ત્યારે અમેરિકા સહિતના દેશોનું મૌન તો ખૂંચે તેવું હતું જ, પરંતુ નાટો પણ એક કદમ પાછું હટી ગયું અને યુક્રેનને ભીષણ યુદ્ધના ખપ્પરમાં હોમાઈ જવા દીધું. ઘણાં વર્ષો બાદ નાટો ફરી ચર્ચા અને વિવાદના વમળોમાં ઘેરાયું છે ત્યારે એક વાત સમજવી જરૂરી છે કે આ આંતરરાષ્ટ્રીય સંગઠન અને રશિયાના નાટો સાથેના વર્ષોજૂના વેરમાં જ યુક્રેન સંકટના મૂળ ધરબાયેલાં છે.
સાવ સરળ રીતે સમજીએ તો અમેરિકાના જાેરદાર પ્રભુત્વવાળું નાટો આજે રશિયા અને યુક્રેન વચ્ચેના વિવાદમાં સૌથી મોટું કારણ બનીને ઉભરી આવ્યું છે.
એક સમયે સોવિયત સંઘનો હિસ્સો રહેલું યુક્રેન નાટો સાથે જાેડાવા ઈચ્છે છે, પરંતુ રશિયા પોતાની સુરક્ષાના કારણો આગળ ધરીને આ સમીકરણોને ખતરનાક ગણાવે છે અને આથી જ તે યુક્રેનને એમ કરવાથી રોકવા માટે તેના વિરુદ્ધ ભયાનક યુદ્ધ છેડી ચુકયું છે.
યુક્રેન અને જ્યોર્જિયાને સભ્યપદ માટેની શોર્ટલિસ્ટમાં સામેલ કરવાના નાટોના નિર્ણયે માત્ર રશિયાની અસલામતી અને ચિંતામાં વધારો કર્યો છે – જે પુતિન ઘણીવાર સ્થાનિક રાજકીય કારણોસર ભજવી ચૂક્યા છે.
હકીકતમાં જેની આજે ચોમેર ચર્ચા છે એ નાટોનું આખું નામ નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (નાટો) છે. આ યુરોપ અને ઉત્તર અમેકિન દેશોનું એક સેન્ય તથા રાજકીય ગઠબંધન છે. આમ તો નાટોની સ્થાપના ૪ એપ્રિલ, ૧૯૪૯ના દિવસે થઈ હતી. આ સંગઠનનું હેડ કવાર્ટર બેલ્જિયમના બ્રસેલ્સમાં આવેલું છે.
નાટોની સ્થાપના સમયે અમેરિકા સહિત ૧ર દેશ તેના સભ્ય હતા. હાલ ૩૦ દેશો નાટોના સભ્ય છે, જેમાં ર૮ યુરોપિયન અને બે ઉત્તર અમેરિકન દેશનો સમાવેશ થાય છે.
શક્તિશાળી સંગઠન નાટોના ૧ર સ્થાપક દેશોમાં અમેરિકા, બેલ્જિયમ, કેનેડા, ડેન્માર્ક, ફ્રાન્સ, આઈસલેન્ડ, ઈટાલી, લ્કઝમબર્ગ, નેધરલેન્ડ, નોર્વે, પોર્ટુગલ અને યુનાઈટેડ કિગ્ડમ (યુકે) સામેલ હતા.
માનવજાત માટે કારમા ઘા સમાન બીજા વિશ્વયુદ્ધ બાદ સોવિયેત સંઘને રોકવા માટે અમેરિકન અને યુરોપિયન દેશોએ એક સૈન્ય ગઠબંધન બનાવ્યું હતું. જેને નાટો નામ આપવામાં આવ્યું હતું. હકીકતમાં બીજા વિશ્વયુદ્ધ પછી સોવિયેત સંઘ અને અમેરિકા દુનિયાની બે સૌથી મહાસત્તા બનીને ઉભરી આવ્યા હતા, જે દુનિયા પર પોતાનો દબદબોજાળવી રાખવા ઈચ્છતા હતા.
આ કારણે અમેરિકા અને સોવિયેત સંઘના સંબંધો સતત કથળવા લાગ્યા હતા અને તેમની વચ્ચે ભયંકર કોલ્ડ વોરની શરૂઆત થઈ હતી. સોવિયેત સંઘની કોમ્યુનિસ્ટ સરકાર બીજા વિશ્વયુદ્ધ બાદ સાવ નબળા પડી ચુકેલા યુરોપિયન દેશો પર પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવાના ખતરનાક ઈરાદા ધરાવતી હતી.
એ વખતે સોવિયેત સંઘની યોજના તુર્કી અને ગ્રીસ પર પોતાનો કબજાે જમાવવાની હતી. તુર્કી- ગ્રીસ પર કાબૂ મેળવીને સોવિયેત સંઘ બ્લેક સી દ્વારા થનારા દુનિયાભરના વેપારને પોતાના અંકુશમાં લેવા માંગતું હતું. આખરે યુરોપમાં સોવિયેત સંઘના વધતા જતા ફેલાવાને રોકવા માટે યુરોપિયન દેશો અને અમેરિકાએ સાથે મળીને નાટોનો પાયો નાખ્યો હતો.
રશિયા અને યુક્રેન વચ્ચેના વિવાદના મૂળમાં તો નાટો જ રહેલું છે.વર્ષ ૧૯૯૧માં સોવિયેત સંઘના વિઘટન બાદ નાટોએ ખાસ કરીને યુરોપ અને સોવિયેત સંઘનો હિસ્સો રહેલા દેશો વચ્ચે ઝડપથી વિસ્તરણ કર્યું હતું. વર્ષ ર૦૦૪માં સોવિયેત સંઘનો હિસ્સો રહી ચુકેલા ત્રણ દેશ લેટિવિયા, પસ્તોનિયા અને લિથુઆનિયા નાટો સાથે જાેડાઈ ગયા. આ ત્રણેય રશિયાની સરહદેઆવેલા દેશો છે.
આટલું ઓછું હોય તેમ નાટો દ્વારા રશિયાના દાઝયા પર અનેક ડામ દેવામાં આવ્યા છે. પોલેન્ડ, રોમાનિયા અને બલ્ગેરિયા જેવા યુરોપિયન દેશો પણ નાટોના સભ્ય બની ચુકયા છે. આ તમામ દેશ રશિયાની આસપાસ આવેલા છે અને તેમની અને રશિયા વચ્ચે એકમાત્ર યુક્રેન રહેલું છે.
સૈન્યની તાકાત હોય કે પછી સંરક્ષણ પર કરવામાં આવતો ખર્ચ, બંને મામલે રશિયા અને નાટોની કોઈ સરખામણી થાય એમ નથી. નાટોના સત્તાવાર આંકડાઓ અનુસાર વર્ષ ર૦ર૧માં તમામ ૩૦ દેશોની અંદાજિત સંયુકત ખર્ચ ૧,૧૭૪ અબજ ડોલર કરતાં પણ વધુ હતો. ર૦ર૦માં નાટોના દેશોએ ૧,૧૦૬ અબજ ડોલરનો ખર્ચ કર્યો હતો, જયારે રશિયાએ ર૦ર૦માં સંરક્ષણ ક્ષેત્રમાં માત્ર ૬૧.૭ અબજ ડોલરનો ખર્ચ કર્યો હતો.
સૌથી મોટો ડર એ છે કે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં જાે નાટો સીધી રીતે સામેલ થયું તો તેના પરિણામો ખતરનાક આવશે, કેમ કે નાટો પાસે હાલ ૩૩ લાખથી વધુ જવાનો છે, જયારે રશિયા પાસે અંદાજે ૧ર લાખ સૈનિકોની સેના છે, જેમાંથી આઠ લાખ જવાન સક્રિય હોવાનું જણાવાય છે.