રશિયામાં કોરોનાનો હાહાકાર: એક દિવસમાં 1000 મોત
નવી દિલ્હી, અમેરિકા બાદ હવે રશિયામાં કોરોનાએ ફરી હાહાકાર મચાવવાનુ શરૂ કર્યુ છે. કોરોનાના ઝડપથી વધી રહેલા કેસ અને બીજી તરફ ધીમા રસીકરણના કારણે અહીંયા લોકોના મોતની સંખ્યા વધી રહી છે. મંગળવારે એક જ દિવસમાં લગભગ 1000 લોકોના મોત થયા છે. જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. બીજી તરફ લગભગ 15 કરોડની વસતી ધરાવતા દેશમાં રોજના 28000 કોરોના કેસ સામે આવી રહ્યા છે.
આમ છતા સરકારે દેશમાં લોકડાઉન લગાવવાનો ઈનકાર કરી દીધો છે. કયા પ્રકારના પ્રતિબંધો લગાવવા તે અંગેનો નિર્ણય લેવાની સત્તા પ્રાંતોને આપી દેવામાં આવી છે. બીજી તરફ વધતા જતા કેસોના કારણે મેડિકલ સિસ્ટમ પર દબાવ વધી ગયો છે. રશિયામાં હાલમાં 2.35 લાખ લોકો હોસ્પિટલોમાં દાખલ છે અને તેમાંથી 11 ટકા દર્દીઓની હાલત નાજુક છે.
રશિયામાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 78 લાખ કેસ સામે આવી ચુકયા છે અને આ પૈકીના 2.18 લાખ લોકોના મોત થયા છે.
બીજી તરફ અહીંયા માત્ર 4.78 કરોડ લોકોને જ કોરોનાની રસીનો એક ડોઝ મળ્યો છે. જ્યારે 29 ટકા લોકો એટલે કે 4.24 કરોડ લોકોને બે ડોઝ અપાયા છે. સરકાર હવે લોકો રસી લે તે માટે પ્રોત્સાહન આપવા માટે ભાર મુકી રહી છે.