રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની શક્યતા
વોશિંગ્ટન. રશિયા અને યુક્રેનવચ્ચે તણાવ વધતો જ જાય છે. આ મામલે ઝડપી ડેવલોપમેન્ટ થઈ રહ્યા છે. આખા યુરોપમાં હાઈ એલર્ટ જેવી સ્થિતિ છે. નિશંકપણે રશિયા અને અમેરિકાના અધિકારી આ સંકટને ટાળવા માટે સતત બેઠક કરી રહ્યા છે, પરંતુ બીજી તરફ અમેરિકા કેટલાક એવા પગલાં પણ લઈ રહ્યું છે, જેથી યુદ્ધ થવાની શક્યતા વધી રહી છે. અમેરિકાએ પોતાના કેટલાક રાજદ્વારીઓના પરિવારોને યુક્રેનથી પાછા બોલાવી લીધા છે.
અમેરિકાના વિદેશ વિભાગે પહેલા જ યુક્રેન માટે ‘લેવલ 4’ની એડવાઈઝરી જારી કરી છે, જેમાં અમેરિકાના નાગરિકોને કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસ મહામારી અને ‘રશિયાના વધી રહેલા જોખમ’ને ધ્યાનમાં રાખતાં યુક્રેનની યાત્રા ન કરો.
નોન સ્ટાફ સદસ્યોને પાછા બોલાવવાની યોજના એ દિવસે બની, જ્યારે અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકે રશિયાના વિદેશ મંત્રી સર્જેઈ લાવરોવ સાથે મુલાકાત કરી છે. આ મુલાકાત પણ વર્તમાન તણાવને ઓછું કરવા માટે થઈ હતી.
યુદ્ધ થવાની શક્યતા એ અહેવાલને લીધે પણ પ્રબળ બની રહી છે કે અમેરિકાએ યુક્રેનને 90 ટનની ‘ઘાતક મદદ’ પહોંચાડી છે. રશિયાએ સીમા પર મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત કર્યા છે.
આ વચ્ચે અમેરિકાનું યુક્રેનને 90 ટનની મદદ મોકલવી એક મોટી વાત છે. આનાથી થોડા સમય પહેલા અમેરિકાએ યુક્રેનને સૈન્ય મદદની મંજૂરી આપી હતી. ત્યારબાદ આ પહેલું કન્સાઈનમેન્ટ મોકલવામાં આવ્યું, જે યુક્રેન પહોંચી ગયું છે.
તેમાં સરહદ પર તૈનાત સૈનિકો માટેના હથિયારો પણ સામેલ છે. યુએસ પ્રમુખ જો બાઈડને ડિસેમ્બરમાં યુક્રેનને 20 કરોડ ડોલર એટલે કે લગભગ 1488 કરોડ રૂપિયાના સુરક્ષા સહાય પેકેજને મંજૂરી આપી હતી.