રશિયા: ડોનેત્સ્ક પાસે રેલવે સ્ટેશન પર ક્રૂઝ મિસાઇલથી હુમલો: 35નાં મોત

મોસ્કો, રશિયા-યુક્રેન યુદ્ધનો આજે 44મો દિવસ છે. રશિયાએ પૂર્વ યુક્રેનના એક રેલવે સ્ટેશન પર ક્રૂઝ મિસાઇલથી હુમલો કર્યો છે, જેમાં 35 લોકોનાં મોત થયાં છે અને 100થી વધારે લોકો ઘાયલ થયા છે.
આ હુમલો ડોનેત્સ્કના ક્રામટોરસ્કમાં થયો છે. ડોનેત્સ્કના ગવર્નરે કહ્યું હતું કે જ્યારે હુમલો થયો ત્યારે હજારો લોકો ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા.
યુક્રેનના બુચા શહેરમાં નરસંહારના આરોપોનો સામનો કરી રહેલા રશિયાની મુશ્કેલીઓમાં જર્મનીના દાવાએ વધારો કર્યો છે. જર્મનીએ જણાવ્યું હતું કે તેના ગુપ્તચર વિભાગે સેટેલાઇટ દ્વારા રશિયન સેનાના રેડિયો ટ્રાન્સમિશનને રેકોર્ડ કર્યું છે. આ વાતચીતમાં રશિયન સેનાના અધિકારીઓને નાગરિકોની હત્યા કરવા માટેના આદેશ આપી રહ્યા છે.
જર્મનીએ પણ આ ઓડિયો જાહેર કર્યો છે અને કહ્યું છે કે આ ઓડિયો બુચા શહેરનો હોઈ શકે છે, જ્યાં ગયા દિવસોમાં સેંકડો નાગરિકો માર્યા ગયા હતા.
જોકે રશિયાએ એને પ્રોપગેન્ડા ગણાવીને ફગાવી દીધો છે તેમજ બુચા હત્યાકાંડની તપાસની માગનો પુનરુચ્ચાર કર્યો હતો. અહીં રશિયન હુમલાનો સામનો કરી રહેલા યુક્રેને દાવો કર્યો છે કે તે યુદ્ધમાં લડ્યું છે. અત્યારસુધીમાં રશિયાના 18 હજારથી વધુ સૈનિકો માર્યા ગયા છે.