રશિયા પાસેથી S-400 એર ડિફેન્સ સિસ્ટમ ખરીદવી ભારત માટે યોગ્ય નહીં, US લગાવી શકે છે પ્રતિબંધ
રશિયા પાસેથી 38 હજાર 933 કરોડ રૂપિયાનો એર ડિફેન્સ સિસ્ટમ ખરીદવાનો કરાર ભારત માટે મુશ્કેલી બની શકે છે. અમેરિકા આવું કરવા માટે ભારત પર કડક પ્રતિબંધ લાગાવી શકે છે. US કોંગ્રેસના એક અહેવાલમાં આ ચેતવણી આપવામાં આવી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સારા સંબંધો હોવા છતાં ગયા મહિને તુર્કી સાથે આવું કરી ચૂક્યા છે.
કોંગ્રેસનલ રિસર્ચ સર્વિસ (CRS)એ યુએસ કોંગ્રેસની સ્વતંત્ર રિસર્ચ વિંગ છે. હાલમાં જ જાહેર કરાયેલા આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ભારત અન્ય દેશો સાથે વધુમાં વધુ ટેકનોલોજીની વહેંચણી અને સંયુક્ત રીતે ઉત્પાદન કરવા પર ભાર મૂકી રહ્યું છે. જ્યારે, અમેરિકા ભારતની સંરક્ષણ નીતિમાં સીધા વિદેશી રોકાણની મર્યાદામાં વધારો કરવા જેવા સુધારા ઈચ્છે છે.
રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે S-400ની ડીલ ભારત પરના અમેરિકી પ્રતિબંધોની ફરીથી શરૂઆત થઈ શકે છે. જોકે, CRSનો આ રિપોર્ટ યુએસ કોંગ્રેસનો સત્તાવાર મત નથી. સરકારને નિર્ણય લેવામાં મદદ કરવાના હેતુથી સ્વતંત્ર નિષ્ણાતો તેને તૈયાર કરે છે.
ઓક્ટોબર 2018માં ભારતે રશિયા સાથે એસ-400 એર ડિફેન્સ સિસ્ટમના પાંચ એકમો ખરીદવાની સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. આ સોદો લગભગ 5.43 અબજ ડોલરનો (38 હજાર 933 કરોડ) છે. 2019માં ભારતે રશિયાને સમજૂતીના લગભગ 800 મિલિયન ડોલર પ્રથમ હપ્તાની ચુકવણી કરી.
ભારતને પ્રથમ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમની સપ્લાય 2020માં થવાની હતી, પરંતુ આવું થઈ શક્યું નહીં. 2025 સુધીમાં તમામ એકમોની ડિલિવરી થવાની છે. આ સોદા પર ટ્રમ્પ વહીવટીતંત્રે કહ્યું હતું કે ભારતનું આ પગલું અમેરિકી પ્રતિબંધોને આમંત્રણ આપી શકે છે.