રશિયા સાથે યુદ્ધમાં માર્યા ગયા યુક્રેનના ૩૧ હજાર સૈનિકો
રાષ્ટ્રપતિ ઝેલેન્સકીનો દાવો
ઝેલેન્સકીએ કહ્યું કે બીજી તરફ રશિયાએ ૫૦૦,૦૦૦ જાનહાનિ સહન કરી છે, જેમાંથી ૧૮૦,૦૦૦ લશ્કરી કાર્યવાહી દરમિયાન માર્યા ગયા છે
નવી દિલ્હી, રશિયા સાથેના યુદ્ધમાં યુક્રેનના ૩૧ હજાર સૈનિકો માર્યા ગયા છે. રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ રવિવારે આ માહિતી આપી હતી. આ પહેલીવાર છે જ્યારે તેમણે યુદ્ધ દરમિયાન યુક્રેનના સૈન્ય નુકસાન પર સત્તાવાર નિવેદન આપ્યું છે. ઝેલેન્સકીએ યુદ્ધને બે વર્ષ પુરા થવા પર કિવમાં આયોજીત એક પ્રેસ કોન્ફરન્સમાં લશ્કરી નુકસાનના આંકડા રજૂ કર્યા હતા. યુક્રેનિયન રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે , “મને ખબર નથી કે મને અમારા નુકસાનની સંખ્યા જણાવવાનો અધિકાર છે કે નહીં. દરેક વ્યક્તિ એક ત્રાસદી છે.
આ યુદ્ધ દરમિયાન યુક્રેનિયન સૈન્યના ૩૧,૦૦૦ સૈનિકો માર્યા ગયા હતા.” છેલ્લી વખત યુક્રેન દ્વારા સૈનિકોના મૃત્યુની સંખ્યા ડિસેમ્બર ૨૦૨૨ માં જાહેર કરવામાં આવી હતી, જ્યારે ઝેલેન્સકીના સલાહકારે કહ્યું હતું કે ૧૩ હજાર સૈનિકો માર્યા ગયા હતા. યુક્રેન યુદ્ધ શરૂ થયું ત્યારથી મૃત્યુની સંખ્યા પર નજીકથી નજર રાખી રહ્યું છે. યુક્રેન દ્વારા રશિયન સૈનિકોના મૃત્યુના આંકડા પણ જાહેર કરવામાં આવ્યા છે.
ઝેલેન્સકીએ કહ્યું કે બીજી તરફ રશિયાએ ૫૦૦,૦૦૦ જાનહાનિ સહન કરી છે, જેમાંથી ૧૮૦,૦૦૦ લશ્કરી કાર્યવાહી દરમિયાન માર્યા ગયા છે. જો કે રશિયા દ્વારા આ આંકડાની પુષ્ટી કરવામાં આવી નથી. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં યુએસ ગુપ્તચર એજન્સી પેન્ટાગોન તરફથી લીક થયેલા દસ્તાવેજમાં જણાવાયું હતું કે યુક્રેનના ૧૫,૫૦૦ થી ૧૭,૦૦૦ સૈનિકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે ૧૦૬,૫૦૦ થી ૧૧૦,૫૦૦ સૈનિકો ઘાયલ થયા હતા.
આ જ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે રશિયાના ૩૫,૦૦૦ થી ૪૨,૫૦૦ સૈનિકો માર્યા ગયા હતા અને ૧૫૦,૫૦૦ થી ૧૭૭,૦૦૦ ઘાયલ થયા હતા. તાજેતરમાં અમેરિકન અધિકારીઓએ કહ્યું છે કે ૨૦૦,૦૦૦ થી વધુ રશિયન સૈનિકો માર્યા ગયા છે અથવા ઘાયલ થયા છે.ss1