રશિયા સાથે લડવા માટે અમને એકલા છોડી દીધાઃ યુક્રેન
કીવ, યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમિર ઝેલેન્સ્કીએ રશિયાના હુમલા બાદ દુનિયાભરના દેશોના વલણને લઈને નિરાશા વ્યક્ત કરી છે. તેમણે કહ્યુ કે રશિયા સાથે લડવા માટે અમને એકલા છોડી દીધા છે.
એક તરફ જ્યાં ઝેલેન્સ્કી દુનિયાભરના દેશોને રશિયાના હુમલા સામે મદદની પોકાર કરી રહ્યા છે ત્યાં બીજી તરફ યુરોપીય દેશ અને અમેરિકા રશિયા સામે પ્રતિબંધ લગાવવાની વાત કરી રહ્યા છે. કોઈ પણ દેશે હજુ સુધી સૈન્ય મદદ માટે હાથ આગળ વધાર્યો નથી.
અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડેને કહ્યુ કે અમે રશિયા પર વધુ પ્રતિબંધ લગાવવાની તૈયારી કરી રહ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને યુક્રેનમાં સૈન્ય ઑપરેશનનુ એલાન કર્યુ હતુ ત્યારબાદ રશિયાની સેનાએ યુક્રેન પર હુમલો કરી દીધો. અત્યાર સુધી આ હુમલામાં ૧૩૭ લોકો માર્યા ગયાના સમાચાર છે.
રશિયાએ યુક્રેનમાં ચેર્નોબિલમાં સ્થિત ન્યૂક્લિયર સાઈટ પર નિયંત્રણ મેળવી લીધુ છે. રશિયાના હુમલા બાદ યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યુ હતુ કે એક નવી લોખંડની દિવાલ ઉભી થઈ રહી છે, મારી જવાબદારી છે કે મારો દેશ પશ્ચિમની તરફ રહે. તેમણે કહ્યુ કે રશિયાના હુમલામાં ૧૩૭ યુક્રેનના નાગરિકોના મોત થઈ ગયા છે જેમાં સૈનિક અને સામાન્ય નાગરિક બંને શામેલ છે.HS