Western Times News

Gujarati News

રસીકરણ ઝુંબેશ વિસ્તૃત બનશે : નીતિન પટેલ

File

અમદાવાદ: સઘન મિશન ઇન્દ્રધનુષ ૨.૦ અભિયાન અંતર્ગત યોજાનાર વિવીધ કાર્યક્રમો અંગે મીડિયાને માહિતી આપતાં આરોગ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, નવી પેઢી સ્વસ્થ, તંદુરસ્ત અને નિરોગી રહે તે સંકલ્પ સાથે રાજ્યભરમાં રસીકરણ ઝૂંબેશ વધુ સઘન બનશે અને રસીકરણના વ્યાપને ૧૦૦ ટકા સુધી પહોંચાડવાના લક્ષ્યાંકને પૂર્ણ કરવાના સંપૂર્ણ પ્રયત્નો હાથ ધરવામાં આવશે. આરોગ્ય મંત્રી પટેલે ઉમર્યું કે, આ રસીકરણ કાર્યક્રમ મારફતે ઝેરી કમળો, બાળ ટી.બી., પોલીયો, ડીપ્થેરીયા, ઉટાટીયુ, ધનુર, હીબ બેકટરીયાથી થતા રોગો, રોટા વાયરસથી થતા ઝાડા, ઓરી અને રૂબેલા જેવા રોગો સામે રક્ષણ પુરૂ પાડવા તથા રોગમુકત સમાજનું નિર્માણ કરવા આ ઝૂંબેશ સઘન બનાવાઇ છે. માત્ર ગુજરાતનાં જ નહીં પરંતુ ગુજરાત બહારથી આવેલા પરિવારોના બાળકોની પણ નોંધણી કરીને તેમને આ રસીકરણ ઝૂંબેશમાં આવરી લેવામાં આવે છે તેમ તેમણે ઉમેર્યું હતું.


પટેલે જણાવ્યું કે, રાજ્યમાં મિશન ઇન્દ્રધનુષના ૨૦૧૫થી ૨૦૧૮ દરમિયાન કુલ ૮ ફેઝનું સફળ અમલીકરણ કરવામાં આવ્યું છે. આ આઠ ફેઝ દરમિયાન કુલ ૮,૧૫,૪૪૧ બાળકો, ૧,૯૩,૨૧૩ સગર્ભા માતાઓ અને ૧,૭૮,૪૯૩ અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં આવેલા પરિવારના બાળકો અને સગર્ભા માતાઓને રસીકરણ સેવાઓમાં આવરી લેવાયા હતા.

રાજયમાં બાળકોના વાલીઓ અને સગર્ભા માતાઓએ આ રસીકરણનો સંપૂર્ણ લાભ લઇ તંદુરસ્ત સમાજના નિર્માણ માટે આ મિશનને સફળ બનાવવા તેમણ અનુરોધ કર્યો હતો. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડા. જયંતી રવિએ જણાવ્યું હતું કે, રાજ્યમાં રસીકરણનો વ્યાપ વધારવા ખાનગી પ્રેક્ટિસ કરતા પીડિયાટ્રીશ્યનોને પણ સંપૂર્ણ મફત રસી ઉપલબ્ધ કરાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.

જેના થકી આ મફત રસી મેળવીને ખાનગી તબીબો પણ મફતમાં રસીકરણ કરી શકશે.  અગ્રસચિવ ડા.જયતિ રવિએ સઘન મિશન ઇન્દ્રધનુષ ૨.૦ વિષે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ મિશન અંતર્ગત સંપૂર્ણ રસીકરણમાં નોંધપાત્ર વધારો થાય અને દેશના ખાસ વિસ્તારોમાં વંચિત રહેલા બાળકો અને સગર્ભા માતાઓને રસીકરણની સેવાઓ મળે તે સુનિશ્ચિત કરવાનો છે. સઘન મિશન ઇન્દ્રધનુષ ૨.૦ની શરૂઆત ડીસેમ્બર-૨૦૧૯થી થઇ છે.

ગુજરાતના ૩૩ જિલ્લા અને ૮ કોર્પોરેશન વિસ્તારોમાં ડીસેમ્બર-૨૦૧૯થી આ મિશનની અમલવારી શરૂ કરી છે. જેના તબક્કાવાર આયોજન તારીખ ૦ર ડીસેમ્બર, ૨૦૧૯, તારીખ ૦૬ જાન્યુઆરી-૨૦૨૦, ૦૩ ફેબ્રુઆરી-૨૦૨૦ અને ૦૨ માર્ચ-૨૦૨૦માં ૭ દિવસ સુધી યોજાનાર છે. જેમાં ત્રણ રાઉન્ડ પૂર્ણ કર્યા છે અને ચોથો રાઉન્ડ ૨ માર્ચ, ૨૦૨૦થી શરૂ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.