રસીની આડ અસર તો નહીં થાય ને ?: નાગરિકોમાં ચર્ચાતો સવાલ

Files Photo
અપુરતી માહિતીથી સંખ્યાબંધ નાગરિકો સર્વે કરનારને સહકાર નથી આપતા: કોરોના રસી આપવાની તૈયારીઓ પૂર્ણ: કોરોના રસી અંગેની માહિતી નાગરિકો સુધી પહોંચાડવામાં હજુ સમય લાગશે: સર્વે કરતા હેલ્થ વર્કરોને થઈ રહેલો કડવો અનુભવઃ નાગરિકોને વિનામુલ્યે રસી મળશે કે કિંમત ચુકવવી પડશે ?: સરકારે સ્પષ્ટતા કરવાની જરૂર
સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે ઝઝુમી રહયુ છે ત્યારે બ્રિટન સહિતના દેશોમાં વેકસિન આપવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે હ્યુ દ્વારા વેકસિન અંગે વિશ્વભરના દેશોને યોગ્ય માહિતી આપવામાં નહીં આવતા આજે અનેક દેશોમાં અસમંજસથી સ્થિતિ સર્જાઈ છે. ભારતમાં કોરોનાની રસી આપવા માટેની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે અને તાલુકા કક્ષાથી લઈ જિલ્લા કક્ષા સુધી તથા મહાનગરોમાં રસીના સ્ટોરેજ માટેની વ્યવસ્થા પૂર્ણ કરી દેવામાં આવી છે. જેથી કોઈપણ સમયે કોરોના રસી નાગરિકોને આપવામાં આવશે તેવુ ચર્ચાઈ રહયું છે.
આ તબક્કામાં કોરોના રસી કેટલી સફળ થશે તે અંગે ચોક્કસ માહિતી નાગરિકો સુધી પહોંચી નથી. ચોંકાવનારી બાબત એ છે કે બ્રિટનમાં કોરોનાના નવા સ્ટેન્ટ મળતાં વિશ્વભરના દેશોમાં દહેશતનો માહોલ ફરી એક વખત જાેવા મળી રહયો છે અને બ્રિટનની સરહદ સાથે જાેડાયેલા દેશોએ લોકડાઉન નાંખવા સાથે ફરી એક વખત ગાઈડ લાઈનનો ચુસ્તપણે અમલ કરાવી દીધો છે. આ પરિસ્થિતિમાં નાગરિકોમાં વધુ દહેશત ફેલાઈ છે. ભારત દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં હાલ સર્વેની કામગીરી ચાલી રહી છે પરંતુ આ સર્વેમાં કર્મચારીઓને પુરતો સહકાર નાગરિકો તરફથી મળી નથી રહયો. ગુજરાતમાં કઈ કંપનીની રસી આપવામાં આવનાર છે તે પણ હજુ જાહેર કરવામાં આવ્યું નથી સાથે સાથે રસી વિનામુલ્યે આપવાની છે કે નાગરિકો પાસેથી તેના પૈસા વસુલવાના છે તે અંગે પણ સરકાર દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. પરિણામ સ્વરૂપે નાગરિકો સર્વે કરવા આવતા હેલ્થ વર્કરોના પ્રશ્નોના જવાબ આપતા નથી અને કેટલાક લોકો તો તેઓને રવાના પણ કરી દે છે.
ચીનના વુહાન શહેરમાં પહેલીવાર કોરોના વાઈરસનો કેસ સામે આવ્યાની પહેલી એનિવર્સરી બાદ હવે દુનિયા બીજા અને મહત્ત્વના તબક્કામાં પ્રવેશી ચૂકી છે. તે છે વેક્સિનેશન દ્વારા તેનાથી બચવાનું અભિયાન. અમેરિકી કંપની ફાઈઝર અને જર્મન કંપની બાયોએન્ટેક દ્વારા તૈયાર કરાયેલી વેક્સિનને મંજૂરી આપીને બ્રિટન મોટા પ્રમાણમાં રસી શરૂ કરનાર પહેલો પશ્ચિમી દેશ બની ગયો છે.
રશિયાએ આ પહેલાં પોતાના દેશમાં બનેલી સ્પુતનિક વી વેક્સિનથી આ અભિયાનની શરૂઆત કરી હતી, પરંતુ પારદર્શકતાની કમીના કારણે તેની મંજૂરીને લઈને વિશ્વ સ્તર પર કોઈ મોટી પ્રતિક્રિયા જાેવા મળી ન હતી. બ્રિટન દ્વારા વેક્સિનને અપાયેલી મંજૂરીએ એક બાજુ અમેરિકી હોદ્દેદારોને પોતાના ત્યાં વેક્સિનની મંજૂરીમાં થઈ રહેલી વાર અંગે બચાવની મુદ્રામાં લાવી દીધા છે. એ સવાલ પણ ઊભો થઈ રહ્યો છે કે જ્યારે આ મહામારીથી રોજ હજારોની સંખ્યામાં લોકો મોતનાં મુખમાં જઈ રહ્યાં છે તો પછી પ્રક્રિયાગત લેટ લતીફી કઈ રીતે સહન કરી શકાય.
અમેરિકાએ જાેકે હાલમાં ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે. અમેરિકાએ મોડર્નાની વેક્સિનના ૧૦ કરોડ એકસ્ટ્રા ડોઝનો ઓર્ડર આપ્યો છે. આ અગાઉ જુલાઈમાં અમેરિકાએ મોડર્ના પાસેથી એક લાખ ડોઝ ખરીદ્યા હતા. તેણે કુલ ૩૦ કરોડ એકસ્ટ્રા ડોઝ ખરીદવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. દરેક દર્દીને બે ડોઝની જરૂર હોય છે. આ દૃષ્ટિએ ૧૫ કરોડ લોકોને વેક્સિન આપવામાં આવી શકે છે. અમેરિકાની વસ્તી આશરે ૩૩ કરોડ છે. એટલે કે તેની અડધી વસ્તી માટે વેક્સિનની પ્રતીક્ષા છે. મોર્ડનાએ શનિવારે કહ્યું કે અમેરિકી સરકારે તેની વેક્સિનના એડિશનલ ૧૦ કરોડ ડોઝ ખરીદવા માટે ઓર્ડર આપ્યો છે. કંપની અત્યાર સુધી મળેલા ઓર્ડર પ્રમાણે ૨૦ કરોડ ડોઝનો સપ્લાય આપશે. બીજા બેચની સપ્લાય આગામી વર્ષના એપ્રિલ સુધીમાં મળી શકે છે.
ઈન્ડોનેશિયાએ ચીની કંપની સાઈનોવેક બાયોટેક લિમિટેડની વેક્સિનના ૧૨ લાખ ડોઝ મેળવી લીધા છે. ત્યાં પણ વેક્સિનેશનનું અભિયાન શરૂ થઈ ચૂક્યું છે. ભારતની વાત કરીએ તો ત્રણ કંપનીઓ પર વિચાર-વિમર્શ અંતિમ તબક્કામાં છે. સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા, ભારત બાયોટેક અને ફાઈઝર આ ત્રણ કંપનીઓ દ્વારા ઈમર્જન્સી ઉપયોગની મંજૂરી માટેની પેનલ તેનો નિર્ણય લેશે.
નિશ્ચિત રીતે વેક્સિનની ક્ષમતા, તેના સંભવિત સાઈડ ઈફેક્ટ્સ અને કિંમત ઉપરાંત બીજી પણ તકલીફો છે. જેમકે અંતરિયાળ વિસ્તારોમાં વેક્સિન પહોંચાડવી, તેને ખરાબ થવાથી બચાવવા માટે જરૂરી ઉપાયો કરવા વગેરે જેવા પહેલુઓ પર વિચાર્યા બાદ જ કોઈ તારણ પર પહોંચી શકાય તેમ છે કે આપણા દેશ માટે કઈ વેક્સીન સૌથી વધુ સુરક્ષિત છે.
સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ કહ્યું હતું કે જાન્યુઆરીથી દેશભરમાં રસીકરણની પ્રક્રિયા શરૂ થઈ જશે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ મહિનાના અંત સુધીમાં તેમણે બનાવેલી રસીના ઈમર્જન્સી ઉપયોગની મંજૂરી મળી શકે છે. જાેકે મોટે પાયે ઉપયોગ માટે લાઈસન્સ મળવામાં હજુ વાર લાગશે. પૂનાવાલાએ કહ્યું હતું કે દેશની ૨૦ ટકા વસતિને રસી અપાઈ જશે તો આગામી વર્ષના ઓક્ટોબર સુધીમાં પરિસ્થિતિ સામાન્ય થવા લાગશે. લોકોની જિંદગી સામાન્ય થવા માંડશે. પૂનાવાલાની કંપની એન્સ્ટ્રાજેનેકા અને ઓક્સફર્ડની રસીનું ટ્રાયલ કરી રહી છે.
સ્થિતિની ગંભીરતા ધ્યાનમાં રાખીએ તો કેટલાક અન્ય દેશોનું ઉદાહરણ કહી રહ્યું છે કે કોઈ એક વેક્સિન પર નિર્ભર રહેવાના બદલે પર્યાપ્ત સાવધાની સાથે અલગ અલગ વેક્સિનને અજમાવવી બહેતર વિકલ્પ છે. જેમકે પ્લાઝમા થેરેપીના અનુભવ કહે છે કે કેટલાક દર્દીઓ પર તે અસરકારક સાબિત થઈ છે તો કેટલાક દર્દીઓ પર તે અસરકારક સાબિત થઈ છે તો કેટલાક દર્દીઓ પર નહીં. કેટલાક દર્દીઓને મોતનાં મોંમાંથી બચાવવાનો ચમત્કાર પણ તેણે જરૂર કર્યાે છે.
વેક્સિનની પણ અલગ અલગ શરીર પર અલગ અલગ અસર હોય છે. વેક્સિન કોઈ દવા નથી, પરંતુ એન્ટીબોડીઝના વિકાસ દ્વારા તે ગંભીર દર્દીઓનો જીવ બચાવવામાં કારગત સાબિત જરૂર થઇ શકે છે. આવા સંજાેગોમાં આશા રાખી શકાય કે પોતાના દેશમાં તેના કમસે કમ ઈમર્જન્સી ઉપયોગને મંજૂરી આપીને સરકાર મહત્ત્વની જિંદગી બચાવવામાં પોતાની ભૂમિકા ચોક્કસ ભજવશે.