રસીની આડ અસર થાય તો દર્દીને વીમો આપવો પડશે
નવી દિલ્હી: કોવિડ-૧૯ની વેક્સિન લગાવાયા બાદ પ્રતિકૂળ અસરના કારણે હોસ્પિટલમાં ભરતી થનારા સ્વાસ્થ્ય વીમા ધારકોનો ખર્ચો હવે કંપની ભોગવશે. ભારતીય વીમા નિયમનકારી અને વિકાસ સંસ્થાએ આ અંગેના સ્પષ્ટ નિર્દેશ જાહેર કર્યા છે. ઈરડાએ જણાવ્યું કે, સ્વાસ્થ્ય વીમો લેનારા ગ્રાહકની કોવિડ-૧૯ વેક્સિનના કારણે તબિયત ખરાબ થાય અને તેને હોસ્પિટલમાં ભરતી કરવો પડે તો તે સારવારના ખર્ચા માટે વીમા કંપની સામે ક્લેમ કરી શકશે.
થોડા દિવસો પહેલા વીમા નિયામકે સ્વાસ્થ્ય વીમા પોલિસીમાં કોવિડ-૧૯ની સારવારને સામેલ કરાવી હતી પરંતુ તેમાં વેક્સિનેશનનો ખર્ચો સામેલ નહોતો કર્યો જે હજુ પણ પોલિસીની બહાર જ છે.
સ્વાસ્થ્યકર્મીઓએ વીમા કંપનીને સવાલ કર્યો હતો કે, કોવિડ વેક્સિનેશન બાદ તેમણે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું તો સારવારનો ખર્ચો વીમા કંપની ઉઠાવશે. આ અંગે સ્પષ્ટતા કરતા ઈરડાએ કહ્યું કે, સ્વાસ્થ્ય વીમા પોલિસીના સામાન્ય નિયમો અને શરતો પ્રમાણે ગ્રાહકો ક્લેમ કરી શકે છે.