રસી નથી લીધી છતાં લોકોને મેસેજ પણ મળી રહ્યા છે
પાલનપુર: બનાસકાંઠાના દિયોદરમાં રહેતા શાંતુબેન પરમારની ઉંમર લગભગ ૯૦ વર્ષથી વધારે છે. ઉંમરને કારણે તેઓ પાછલા ઘણાં મહિનાઓમાં એક પણ વાર ઘરની બહાર નથી નીકળ્યા. પરંતુ તેમના પરિવારજનો ત્યારે ચોંકી ગયા જ્યારે તેમના દીકરાના મોબાઈલ પર મેસેજ આવ્યો કે શાંતુબેને કોરોનાની રસીનો પહેલો ડોઝ લઈ લીધો છે. ઉલ્લેખનીય છે કે શાંતુબેન પોતે પણ રસી માટે નથી ગયા અને તેમના ઘરે કોઈ હેલ્થ વર્કર પણ નથી આવ્યા.
શાંતુબેનના દીકરા ઠાકરશીએ જણાવ્યું કે, મને જ્યારે મેસેજ આવ્યો કે મારા માતાએ સુઈગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રસી લીધી છે તો વાંચીને હું ચોંકી ગયો. મેં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આ મેસેજ બતાવ્યો પરંતુ તેઓ આ બાબતે કોઈ જ ઉત્તર આપી શક્યા નહોતા. બનાસકાંઠામાં ઘણાં કેસ જાણવા મળ્યા જ્યાં લોકોએ રસીના લીધી હોવા છતાં તેમને મેસેજ આવ્યા હતા કે તેમણે રસીનો ડોઝ લઈ લીધો છે. ઉલ્લેખનીય છે કે ૧૧મી મેના રોજ બનાસકાંઠા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવ્યુ હતું
તેમના વિસ્તારમાં ૪૫ વર્ષથી વધારે ઉંમર ધરાવતા ૯૮ ટકા લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. અધિકારીઓના દાવા અનુસાર આ ઉંમરના ૬.૧૮ લાખ લોકોમાંથી ૬.૦૪ લાખ લોકોને રસી આપવામાં આવી છે. બીજી બાજુ લોકોને આવા ખોટા મેસેજ મળતા હોવાને કારણે સરકારી આંકડાઓ સામે પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. અમીરગઢ, સુઈગામ, વડગામ, પાલનપુર, દિયોદર અને ડીસા તાલુકાના અનેક ગામોમાં એવા ઘણાં લોકો મળ્યા છે જેમનું રસીકરણ માત્ર કાગળ પર થયું છે.
વડગામમાં રહેતા પચાસ વર્ષીય મંજુલા રાઠોડને ૨ જૂનના રોજ મેસે મળ્યો કે તેમને રસી આપવામાં આવી છે. મંજુલા રાઠોડનું કહેવું છે કે તેમણે હજી સુધી રસીનો એક પણ ડોઝ નથી લીધો. પાલનપુરમાં આવેલી બનાસ મેડિકલ કોલેજના પેડિઆટ્રિક વિભાગના પ્રોફેસર તેમજ સીનિયર રેસિડન્ટ ડોક્ટર ભાવિ શાહે ૯ ફેબ્રુઆરી, ૨૦૨૧ અને ૩૧ માર્ચ, ૨૦૨૧ના રોજ રસીના બે ડોઝ લીધા હતા. જ્યારે ૪ એપ્રિલના રોજ તેમને ફરી એકવાર મેસેજ આવ્યો કે તેમણે રસીનો ડોઝ લીધો છે તો તેમને શંકા થઈ કે સિસ્ટમમાં કંઈક ગરબડ છે.