રસી લઈશું પણ કોરોના ટેસ્ટ નહીં કરાવીએ : ટિકૈત
હિસાર: દેશ પર આવી પડેલા કોરોના સંકટ વચ્ચે પણ ખેડૂત આંદોલનને વધારે ઉગ્ર બનાવવાની તૈયારીઓ થઈ રહી છે.આજે ખેડૂત આગેવાન રાકેશ ટિકૈતે હરિયાણાના હિસારમાં એક કાર્યક્રમમાં કહ્યુ હતુ કે, સરકારનો આખા દેશમાં વિરોધ છે. એક થી દોઢ મહિના પછી સૌથી વધારે ખેડૂત સભાઓ યુપીમાં થશે. દિલ્હીની બોર્ડર પર જ હરિયાણા આવેલુ છે. એટલે આ વિસ્તારના ખેડૂતોની જવાબદારી વધી જાય છે કે આંદોલનને વધારે મજબૂત બનાવે.
કોરોના વેક્સીન અંગે ટિકૈતે કહ્યુ હતુ કે, બોર્ડર પર બેઠેલા ખેડૂતો રસી લેશે પણ કોરોના ટેસ્ટ નહીં કરાવે. અમે તો રસી પણ ત્યારે જ લઈશું જ્યારે અડધા પોલીસ કર્મીઓ રસી લગાવશે. અમને આ સરકાર પર બિલકુલ વિશ્વાસ નથી. કોરોના તો એક પ્રકારનો તાવ જ છે.
ટિકૈતે સવાલ કર્યો હતો કે, કોરોના જાે એટલો ખતરનાક હોય તો કેટલાક લોકો બંગાળમાં રેલી કેમ કરી રહ્યા છે. કોરોનાને આપણે તાવ જ કહી શકીએ. જાે લોકોને ઓક્સિજન નથી મળી રહ્યો તો સરકારે રાજીનામુ આપી દેવુ જાેઈએ.
તેમણે એક સવાલના જવાબમાં કહ્યુ હતુ કે, ભાજપે અમારી સાથે દગો કર્યો છે. બંગાળની જનતા સાથે પણ દગો કરી રહી છે. હજી તો ખેડૂત આંદોલનને પાંચ જ મહિના થયા છે. જાે સરકાર પાંચ વર્ષ શાસન કરી શકતી હોય તો ખેડૂત આંદોલન પણ પાંચ વર્ષ ચાલી શકે છે