રસી લીધા પહેલાં અને પછી વ્યક્તિએ દારૂનું સેવન ટાળવું પડશે
નવી દિલ્હી, શનિવારથી કોરોના સામેની લડાઈમાં રસીકરણ અભિયાન શરૂ થઈ ગયું છે. પહેલા તબક્કામાં દેશના દરેક રાજ્યમાં હેલ્થ વર્કર્સને રસી અપાઈ છે. રસી લેવાની સાથે આપણે કેટલીક બાબતોની વિશેષ કાળજી રાખવાની છે. આ બાબતોનું ધ્યાન રાખવામાં નહીં આવે તો રસી લેનાર મુશ્કેલીમાં મુકાઈ શકે છે.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ દરેક વ્યક્તિએ રસીના બે ડોઝ લેવાના રહેશે, તો જ કોરોનાની રસીની અસર જોવા મળશે.
પહેલો ડોઝ લીધાના ૨૮ દિવસ પછી બીજો ડોઝ અપાશે. રસીનો બીજો ડોઝ લીધાના બે સપ્તાહ પછી કોરોના વિરુદ્ધ એન્ટીબોડી વિકસિત થશે.
રસી લીધા પછી પણ કોરોનાની માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહે છે. તેમ નહીં કરતાં કોરોનાની ઝપેટમાં આવી શકાય છે.
રસી લીધા પહેલાં અને પછી વ્યક્તિએ દારૂનું સેવન ટાળવું પડશે. દારૂથી શરીરની ઈમ્યુનિટી પર વિપરિત અસર પડે છે.
નિષ્ણાતોનું કહેવું છે કે રસી લીધા પછી શુગર ડ્રિંક્સ, એનર્જી ડ્રિંક્સ, પ્રોસેસ્ડ ફૂડ, ફાસ્ટ ફૂડનું સેવન પણ ટાળવું જોઈએ.
ચાઈના ગ્લોબલ યુનિવર્સિટીના પ્રોફેસર શેંગનના રિપોર્ટ મુજબ અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ, હાઈ શુગર અને ફેટના વધુ પ્રમાણથી સ્થૂળતા વધે છે. આ બાબતો કોરોનાની રસી સામે તમારી ઈમ્યુનિટી પર અસર કરી શકે છે.
રસી લીધા પછી કોઈ પ્રકારની તકલીફ લાગે તો તેની અવગણના કરવાના બદલે તુરંત ડૉક્ટર અથવા ભારત સરકારની કોરોના હેલ્પ લાઈનને જાણ કરવી જોઈએ.