રસ્તા પર ઢોર બાંધનારા સામે કાર્યવાહી શરૂ કરાઈ

પ્રતિકાત્મક
અમદાવાદ, શહેરના અમુક રસ્તા એવા હોય છે જ્યાં બારેમાસ ઢોર ફરતા હોય છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા પણ ઉભી થાય છે અને વાહનચાલકોએ પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. શહેરમાં રખડતા ઢોરની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે સરકાર દ્વારા આકરા પગલા લેવામાં આવી રહ્યા છે.
હવે તંત્ર દ્વારા વિવિધ વિસ્તારોમાં રોડ પર ખીલા લગાવીને ઢોર બાંધનારા પશુપાલકો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાદ શહેરના કેટલ ન્યુશન્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ(સીએનસીડી)ના અધિકારી નરેશ રાજપૂતના જણાવ્યા અનુસાર, હાઈકોર્ટના આદેશને ધ્યાનમાં રાખીને સીએનસીડી ખાતાએ રખડતા ઢોર પકડવાની કાર્યવાહી સઘન બનાવી છે.
ભૂલાભાઈ પાર્ક, લાટીબજાર, એસ.ટી.સ્ટેન્ડથી મજૂરગામનો રસ્તો, ઈન્ડિયા કોલોની, બાપુનગર અને વિરાટનગર સહિના વિસ્તારોમાં મોટાભાગે પશુપાલકો રસ્તા પર જ પોતાના ઢોરને બાંધી રાખતા હોય છે, જેના કારણે વાહનચાલકો અને રસ્તા પરથી પસાર થતા લોકોને મુશ્કેલી ઉભી થતી હોય છે.
તંત્ર દ્વારા હવે આ પશુપાલકોને સમજાવવામાં આવશે અને જાે નહીં માને તો પોલીસ ફરિયાદ અને દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવશે. પ્રાપ્ત જાણકારી અનુસાર, નવેમ્બર મહિનામાં સીએનસીડી વિભાગે ૧૯૮૪ રખડતા ઢોર પકડીને પૂર્યા હતા. તેમાંથી ૨૨૮ ઢોક છોડાવવા આવેલા પશુપાલકો પાસેથી ૧૪.૩૦ લાખ રુપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો.
આ સિવાય રોડ ઉપર ઢોર રખડતા મૂકનારા અને ઢોર પકડવાની કામગીરીમાં અડચણો ઉભી કરનારા ૧૫૨ પશુપાલકો સામે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. સીએનસીડી વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર, ઢોર પૂરવાના ડબામાંથી પશુપાલકો તેમને જરૂર હોય તેવા જ ઢોરને લઈ જતા હોય છે.
પરિણામાં તંત્રના ડબામાં બિનઉપયોગી ઢોરની સંખ્યા વધી જતી હોય છે. આ ઢોરને રાજ્યની અલગ અલગ પાંજરાપોળમાં મોકલવામાં આવે છે. નવેમ્બર મહિનામાં ૧૪૭૬ ઢોરને પાંજરાપોળ મોકલવા પડ્યા હતા, તેની પાછળ મ્યુનિસિપાલિટીને ખાસ્સો ખર્ચ કરવો પડ્યો હતો.SSS