રસ્તા પર રઝળતી ઉત્તરવહીઃ કેટલીક લખેલી ઉત્તરવહીઓ ફાટી ગઈ
(પ્રતિનિધિ) અમદાવાદ: વિદ્યાર્થીઓનું ભાવિ ઘડનારી ધો.૧૦ અને ધો.૧રની બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થીઓ ખૂબ જ મહેનત કરતા હોય છે અને સારા માર્કસ મેળવવા માટે વાલીઓ પણ સતત વિદ્યાર્થીઓ પર ધ્યાન રાખતા હોય છે આ પરિસ્થિતિમાં આજે બોર્ડની બેદરકારી જાવા મળતા વાલીઓ અને વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો છે. રાજકોટ જિલ્લામાં બે સ્થળોએથી રસ્તા પરથી રઝળતી હાલતમાં ૪ હજારથી પણ વધુ ઉત્તરવહીઓ મળી આવી છે અને વધુ એક સ્થળેથી પણ ઉત્તરવહીઓ મળી હોવાનું જાણવા મળી રહયું છે.
રસ્તા પર રઝળતી ઉત્તરવહીઓ પરથી વાહનો પસાર થઈ જતાં કેટલીક ઉત્તરવહીઓ ફાટી પણ ગઈ છે જેના પરિણામે હવે આવી ઉત્તરવહીઓ કેવી રીતે ચકાસવી તે પ્રશ્ન વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચર્ચાઈ રહયો છે. બીજી બાજુ શિક્ષણમંત્રીએ આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે.
ધો.૧૦ અને ધો.૧રની બોર્ડની પરીક્ષાના મુખ્ય વિષયોના પેપર પૂર્ણ થઈ ગયા છે અને આ પેપરોની ચકાસણી માટે અગાઉથી જ નકકી કરાયેલા મુલ્યાંકન કેન્દ્રો પર લખેલી ઉત્તરવહીઓ પહોંચાડવાની કામગીરી બોર્ડ દ્વારા કરવામાં આવી રહી છે. બોર્ડ દ્વારા જિલ્લાના મુખ્ય કેન્દ્ર પર પહોંચાડયા બાદ તેને અન્ય કેન્દ્રો પર પહોંચાડવામાં આવતા હોય છે આ દરમીયાનમાં આજે સવારે એક પછી એક ગંભીર ઘટનાઓ જાવા મળી છે.
બોર્ડની પરીક્ષાના લખેલા પેપરો સૌ પ્રથમ વીરપુર પાસેથી રઝળતી હાલતમાં જાવા મળ્યા હતાં. ઓવરબ્રીજ પાસે ઉત્તરવહીઓ રઝળતી હાલતમાં જાવા મળતા એક શિક્ષકનું ધ્યાન ગયું હતું અને તેણે આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારીનું ધ્યાન દોરતા દોડધામ મચી ગઈ હતી.
વીરપુર પાસેથી મળેલી ઉત્તરવહીઓના પગલે સમગ્ર જિલ્લામાં તપાસ શરૂ કરવામાં આવી હતી જેના પગલે ગોંડલ પાસેથી પણ તથા અન્ય એક સ્થળેથી પણ આવી ઉત્તરવહીઓ રસ્તા પર રઝળતી હાલતમાં જાવા મળી હતી. વિદ્યાર્થીઓએ લખેલી ઉત્તરવહીઓ રસ્તા પર રઝળતા તેના ઉપરથી વાહનો પસાર થઈ ગયા હતા કેટલીક ઉત્તરવહીઓ છુટી પણ પડી ગયેલ છે. જયારે કેટલીક ઉત્તરવહીઓ સાવ ડુચો વળી જતાં બોર્ડના અધિકારીઓ ચોંકી ઉઠયા છે. આ ઉત્તરવહીઓ મહેસાણા તથા અન્ય જિલ્લાઓની હોવાનું જાણવા મળી રહયું છે.
સવારથી જ શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓમાં ભારે દોડધામ મચેલી છે અને આ મુદ્દે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. બોર્ડની અણઆવડતના કારણે વિદ્યાર્થીઓનું ભાવિ જાખમમાં મુકાયુ હોવાની ચર્ચા વાલીઓમાં ચાલી રહી છે. બીજીબાજુ આ ઘટનામાં તમામ દોષિતો સામે કાર્યવાહી કરવાનો આદેશ અપાયો છે.