રસ્તો ક્રોસ કરી રહેલ બાળકીનું કારની અડફેટે મોત નિપજ્યું
અમદાવાદ-મુંબઈ હાઈવે નંબર-૪૮ પર બાળકીઓ રસ્તો ક્રોસ કરી રહી હતી ત્યારે કાર ચાલકે એકને અડફેટે લીધી
બારડોલી, સુરત જિલ્લાના કામરેજ ખાતે ને.હા-નં-૪૮ ઉપર રોડ ક્રોસ કરી રહેલ બે બહેનો પૈકી એકને અજાણ્યા કાર ચાલકે અડફેટે લેતા બાળકીને માથાના તેમજ શરીરના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નીપજયું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ કામરેજ તાલુકાનાં ખોલવડ ખાતે ખેતીવાડી ફાર્મમાં રહેતા સુમિત્રાબેન પરેશભાઈ રાઠોડ (ઉ.વ.૫૦) નાઓ ઘરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગતરોજ તેઓ ઘરકામ કરવા માટે ગયા હતા તે સમયે તેમની બે દીકરી મનીષા અને તેનાથી નાની ઉર્વીષા (ઉ.વ.૬) રમવા માટે નીકળી હતી.
ત્યારે સવારે દશ વાગ્યાની આસપાસ આ બંને બાળકીઑ યુસુફ કારા પેટ્રોલપંપની સામે અમદાવાદથી મુંબઈ જતાં ને.હા.નં-૪૮ ઉપર રોડ ક્રોસ કરી રહી હતી તે સમયે પૂર ઝડપે હંકારી આવેલ એક અજાણ્યો ફોરવ્હીલના ચાલકે ઉર્વીષાને અડફેટે લીધી હતી.
સર્જાયેલા અકસ્માતમાં ઉર્વીષાને શરીરે ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે કામરેજ સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં ફરજ પર હાજર ડોકટરે તેને જાેઈ તપાસી મૃત જાહેર કરી હતી. બનાવ અંગે કામરેજ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.