રહસ્યમય સમુદ્ર, કોઈ ડૂબતું નથી, બીમારી દૂર થાય છે
જેરૂસેલમ: એવું કહે છે કે એક સારો તરવૈયો જ સમુદ્રની અસલ મજા માણી શકે છે. જાે તમને તરતા ન આવડતું હોય તો તમે સમુદ્રની મજા માણવા અંગે વિચારી પણ ન શકો. પરંતુ અમે તમને એક એવા સમુદ્ર વિશે જણાવીશું જ્યાં તરતા ન આવડતું હોય તેવા લોકો પણ તરી શકે છે અને સમુદ્રની મજા માણી શકે છે. ખાસ વાત એ છે કે આ સમુદ્રમાં તમારી ઈચ્છા હશે તો પણ તમે ડૂબી શકશો નહીં.
આ સમુદ્ર જાેર્ડન અને ઈઝરાયેલ વચ્ચે આવેલો છે. જેને ડેડ સી નામથી ઓળખે છે. આ સમુદ્ર દુનિયામાં સૌથી ઊંડી ખારા પાણીની ઝીલ તરીકે પણ ઓળખાય છે. એવું કહેવાય છે કે આ સમુદ્રમાં પાણીના મોજા તો ઉછળે છે પરંતુ મીઠાના દબાણના કારણે કોઈ તેમાં ડૂબતું જ નથી. આ જ કારણે પ્રવાસીઓ તેની મજા માણવા ઉમટી પડે છે.
વાત જાણે એમ છે કે ડેડ સી સમુદ્ર તળથી લગભઘ ૧૩૮૮ ફૂટની નીચે પૃથ્વીના સૌથી નીચલા પોઈન્ટ પર છે. આ સાથે જ આ સમુદ્ર લગભગ ૩ લાખ વર્ષ જૂનો છે. આ સમુદ્રની ડેન્સિટી એટલી વધુ છે કે તેમાં પાણીનું વહેણ નીચેથી ઉપરની બાજુ છે અને આ જ કારણ છે કે આ સમુદ્રમાં તમે સીધા ચત્તાપાટ સૂઈ જાઓ તો પણ તમે ડૂબશો નહીં.
નામથી ઓળખાતા આ સમુદ્રનું નામ જાણી તમને પણ નવાઈ લાગે. પણ આ નામ પાછળ કારણ છે તેનું ખારાપણું. આ સમુદ્રનું પાણી એટલું બધુ ખારું છે કે તેમાં કોઈ જીવ જીવિત રહી શકતો નથી. એટલે જ અહીં કોઈ ફૂલ છોડ, ઘાસ જેવી કોઈ લીલોતરી નથી. આ સમુદ્રમાં માછલી અને અન્ય જીવ પણ રહી શકતા નથી. તેના પાણીમાં પોટાશ, બ્રોમાઈડ, ઝિંક, સલ્ફર, મેગ્નેશિયમ, અને કેલ્શિયમ જેવા મિનરલ સોલ્ટ પણ ખુબ પ્રમાણમાં છે. જેના કારણે તેમાંથી નીકળતા મીઠાનો ઉપયોગ થઈ શકતો નથી.
વૈજ્ઞાનિકોના જણાવ્યાં મુજબ ડેડ સીનું ખારાપણું આખી દુનિયામાં મશહૂર છે. તેનું પાણી અન્ય સમુદ્રોની સરખામણીમાં ૩૩ ટકા વધુ ખારું છે. આ જ કારણ છે કે તેમાં ન્હાવાથી અનેક બીમારીઓ પણ દૂર થાય છે. આ સાથે જ તેમાંથી મળનારી માટીનો ઉપયોગ પણ ખુબ ફાયદાકારક હોય છે. તેની માટીનો ઉપયોગ અનેક બ્યૂટી પ્રોડક્ટ્સ બનાવવામાં થાય છે.