Western Times News

Gujarati News

રહીશી વિસ્તાર કે જંગનું મેદાનઃ અવારનવાર અથડામણો

Files Photo

મેઘાણીનગરમાં ફરી વખત જૂથ અથડામણ

અમદાવાદ: મેઘાણીનગરમાં અવારનવાર થતી જુથ અથડામણોને પગલે સ્થાનિક નાગરીકોમાં ડરનો માહોલ ફેલાયો છે. સામાન્ય બાબતે પણ ટોળાબંધી કરીને હિંસક હુમલા કરવા તથા વાહનોમાં તોડફોડ કરવી એ હવે મેઘાણીનગરમાં સાવ સામાન્ય ઘટનાઓ બની ગઈ છે. આ સ્થિતિમાં ગઇકાલે ફરીથી બે ટોળાં સામ સામે આવતાં એકબીજા પર હુમલો કર્યાે હતો. બાદમાં એક શો રૂમ પર પથ્થરમારો કરતાં મોટા પાયે નુકસાન થયું હતું.

પ્રશાંત સોલંકી (જાગેશ્વરી નગર, મેઘાણીનગર)એ ફરિયાદ નોંધાવી હતી. ગુરૂવારે પોતે કલાપીનગરથી એક્ટીવા ઉપર ઘરે આવતો હતો.
એ સમયે કલ્પેશ ઉર્ફે કલ્પો પરમાર તથા વનરાજે તેને અટકાવીને લાફા માર્યા હતા. બાદમાં રમેશ, સાઈલ તથા રવી, વિક્રમ, હસમુખ અને કિરીટ પણ ત્યાં લાકડા, દંડા વગેરે સાથે આવીને તેમનાં ઉપર હુમલો કર્યાે હતો.

ઉપરાંત કિરીટ પોતાની સાથે લાવેલી તલવાર તેમનાં માથામાં મારી દેતાં ઉંડો ઘા પડ્યો હતો. તેમ છતાં જીવ બચાવીને પોતે ભાગ્યા હતાં. આ બાદમાં અન્ય ટોળું પણ એકત્ર થતાં બંને સામસામે આવી ગયા હતા. અને જાહેર રોડ ઉપર બંને એકબીજા સાથે મારામારી કરતાં આસપાસનાં રહીશો પણ ગભરાઈ ગયા હતા અને દેકારો મચી ગયો હતો.

દરમિયાન ટોળું એક શો રૂમ આગળ પહોંચ્યું હતું અને અચાનક જ પથ્થરમારો કરી શો રૂમને પણ નુકસાન પહોંચાડ્યું હતું. હુમલો થતાં જ શો રૂમનાં માલિક પણ પોતાનો જીવ બચાવીને ભાગ્યા હતા. બાદમાં કોઈએ કંટ્રોલરૂમમાં જાણ કરતાં પોલીસ પણ આવી પહોંચી હતી અને કેટલાંક શખ્સોની અટક કરી હતી. બાદમાં શો રૂમનાં માલિક સહિતનાની ફરીયાદો લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.