રહેણાંક મકાનો પર સોલાર સિસ્ટમો માટે રૂ. ૯૧૨ કરોડની જોગવાઇ
અમદાવાદ : પર્યાવરણની જાગૃતિ અને સંવર્ધન એ આપણા સૌની નૈતિક જવાબદારી છે ત્યારે પર્યાવરણના સંવર્ધન માટે પુનઃપ્રાપ્ય ઊર્જા થકી ક્લાઈમેટ ચેન્જના વૈશ્વિક પડકારોને પહોંચી વળવા ગુજરાત સરકાર કટિબદ્ધ છે એમ મુખ્યમંત્રીવતી શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ક્લાઇમેટ ચેન્જ વિભાગની માંગણીઓ રજૂ કરતાં જણાવ્યું હતું.
આજે વિધાનસભા ખાતે ક્લાઈમેટ ચેન્જ વિભાગની અંદાજપત્રીય માંગણીઓ રજૂ કરતાં મંત્રી ચુડાસમાએ ઉમેર્યું કે, ક્લાઈમેટ ચેન્જના વૈશ્વિક પડકારોને પહોંચી વળવા માટે તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૦૯માં ગુજરાતમાં ક્લાઇમેટ ચેન્જ અંગેનો અલાયદો વિભાગ રચીને ‘ગુજરાત’ એશિયાનું પ્રથમ રાજ્ય બન્યું છે. આ વર્ષે આ વિભાગના બજેટમાં ૧૦૧૯ કરોડ ઉપરાંત અન્ય ૧૮ જેટલા વિભાગોએ ૪૯૦૩ કરોડ મળી કુલ રૂપિયા ૫,૯૨૨ કરોડની ગ્રીન બજેટ જોગવાઇ કરાઈ છે.
મંત્રી ચૂડાસમાએ ઉમેર્યું કે, આ વર્ષે પર્યાવરણની જાળવણી માટે નવા ત્રણ લાખ રહેણાંકના મકાનો પર સોલાર સિસ્ટમ લગાવવા માટે રૂપિયા ૯૧૨ કરોડની જોગવાઇ કરી છે. તેમજ આગામી વર્ષે બેટરી સંચાલિત દ્વિચક્રી વાહનો માટે સહાય હેઠળ ૧૦ હજાર વિદ્યાર્થીઓને આવરી લેવાશે તથા બેટરી સંચાલિત ઈ-રીક્ષા માટે રૂપિયા ૪૦ હજારની સહાય અપાશે અને ૮૦૦ લાભાર્થીઓને લાભાન્વિત કરાશે.
આ ઇલેક્ટ્રોનિક વાહનોના ર્ચાજિંગની વ્યવસ્થા માટે રાજ્યના શહેરોમાં ર્ચાજિંગ પોઇન્ટ્સ પણ ઉભા કરાશે તથા બેટરી સંચાલિત તથા સૌર આધારિત ટ્રેક્ટરો ખરીદવા માટે ખેડૂતોને રૂપિયા બે લાખની સબસિડી સહાય પણ અપાશે. તેમણે ઉમેર્યું કે, ક્લાઈમેટ ચેન્જ અંગે જનજાગૃતિ આવે તે આશયથી રાજ્યનો ‘સ્ટેટ એક્શન પ્લાન ઓન ક્લાઈમેટ ચેન્જ’ કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ આઈઆઈટી, ગાંધીનગર અને આઇઆઇએમ, અમદાવાદ દ્વારા તૈયાર કરાયો છે.