રાંચીમાં રસ્તાઓ પર જ અંતિમ સંસ્કાર ખુલ્લામાં આપવામાં આવી રહ્યા છે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/corona1-1-1024x744.jpg)
Files Photo
રાંચી: રાંચીમાં કોરોના દરમિયાન થનારાં મોતનો રેકોર્ડ તૂટી ગયો છે. છેલ્લા ૧૦ દિવસમાં રાંચીનાં સ્મશાન અને કબરસ્તાનમાં અચાનક મૃતદેહો આવવાની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ ગયો છે. રવિવારે રેકોર્ડ ૬૦ મૃતદેહોના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા છે, એમાંથી ૧૨ મૃતદેહો કોરોના સંક્રમિતોના હતા, જેમના અંતિમસંસ્કાર ઘાઘરામાં સામૂહિક બનાવીને કરવામાં આવ્યા હતા. એ સિવાયના ૩૫ મૃતદેહો પાંચ સ્મશાનઘાટમાં સળગાવવામાં આવ્યા અને ૧૩ મૃતદેહોને રાતુ રોડ અને કાંટાટોલી કબરસ્તાનમાં દફન કરવામાં આવ્યા. સૌથી વધારે મૃતદેહોના અંતિમસંસ્કાર હરમુ મુક્તિધામમાં કરવામાં આવ્યા છે.
મૃતકોની સંખ્યા એટલી વધારે થઈ ગઈ હતી કે મુક્તિધામમાં ચિતા સળગાવવાની જગ્યા ઓછી પડવા લાગી હતી. લોકોએ કલાકો સુધી રાહ જાેવી પડી હતી. એ પછી પણ જગ્યા ના મળી તો લોકો ખુલ્લામાં ચિતા સળગાવવા લાગ્યા હતા. સ્મશાનમાં જગ્યા ના રહેવાને કારણે મુક્તિધામના સામેના રસ્તા પર વાહન પાર્કિંગમાં જ મૃતદેહો રાખીને અંતિમક્રિયા થવા લાગી હતી. સ્થિતિ એવી થઈ ગઈ હતી કે મોડી સાંજ સુધી મુક્તિધામમાં ઘણા લોકો મૃતદેહો લઈને તેમનો વારો ક્યારે આવશે એની રાહ જાેતા હતા.
મૃતદેહોના અંતિમસંસ્કાર કરવા માટે લોકોએ નિગમ-પ્રશાસનને કરગરવું પડ્યું હતું. મોક્ષધામમાં ઈલેક્ટ્રિક મૃતદાહ મશીન ખરાબ થતાં મારવાડી સહાયક સમિતિના પદાધિકારીઓ પાસે થોડી જ વારમાં પાંચ ફોન આવ્યા હતા. દરેકની એક જ માગ હતી કે- અંતિમસંસ્કારની વ્યવસ્થા ઝડપથી કરાવવામાં આવે.
હરમુ મુક્તિધામમાં વર્ષોથી મૃતદેહોના અંતિમસંસ્કાર કરતાં રાજુ રામે કહ્યું હતું કે આવું દૃશ્ય આજ સુધી ક્યાંય નથી જાેયું. લોકો જ્યાં ગાડીઓ પાર્ક કરતા હતા ત્યાં અર્થીઓની લાઈન લાગી છે. એમ્બ્યુલન્સમાંથી મૃતદેહો કાઢીને રસ્તા પર જ રાખવામાં આવ્યા છે. અંતિમસંસ્કાર પહેલાંની કોઈ વિધિ કરવામાં નથી આવતી.
કોરોનાથી મોતનો આંકડો વધ્યો તો હરમુ મોક્ષધામમાં મૃતદાહ કરતાં બંને મશીનો ઠપ થઈ ગયાં. ગેસથી ચાલતું આ મશીન જરૂર કરતાં વધારે ગરમ નથી થઈ શકતું. ત્યાર પછી મારવાડી સહાયક સમિતિએ સ્પષ્ટ કહી દીધું છે કે જ્યાં સુધી મશીન સરખું નહીં થાય
ત્યાં સુધી તેમાં અંતિમસંસ્કાર નહીં કરી શકાય. આ શહેરનું એકમાત્ર મોક્ષધામ છે, જ્યાં કોરોના સંક્રમિતોના અંતિમસંસ્કાર કરવામાં આવે છે.બપોરે ૨ વાગ્યા સુધી અહીં કોરોના સંક્રમિતોના ૧૨ મૃતદેહની લાઈન હતી. મોડી સાંજ સુધી મશીન સરખું થયું નહોતું તો નગર નિગમે સંક્રમિત મૃતદેહોને ઘાઘરામાં અંતિમસંસ્કાર કરવાનું નક્કી કર્યું હતું. ત્યાર પછી મોડી રાતે ઘાઘરા સ્મશાન ઘાટ પર એકસાથે સામૂહિક ચિતા પર અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.