રાંધણ ગેસ પરની ૧૯૧ ની સબસીડી ઘટીને ૫ થઈ ગઈ
નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હવે દેશના નાગરિકોને ગેસ સબસિડી છોડવાની અપીલ નહીં કરવી પડે કારણકે સરકારી કંપનીઓએ આ કામ ખૂબ સરળ કરી દીધું છે. નાગરિકોને મળતી ગેસ સબસિડી આપોઆપ ખતમ થઈ જવાની તૈયારી છે. ગયા વર્ષે એપ્રિલમાં ગેસ સબસિડીના નામે ગ્રાહકોના ખાતામાં રૂપિયા ૧૯૧.૦૪ જમા થતા હતા પરંતુ હવે આ રકમ ઘટીને માત્ર ૫.૦૪ રૂપિયા થઈ ગઈ છે. હવે ગમે તે સમયે આ પાંચ રૂપિયા પણ જમા ન થાય અને સબસિડી સંપૂર્ણપણે ખતમ થઈ જાય તે દિવસો દૂર નથી. આ રકમ જમા થાય તો પણ ના બરાબર જ છે.
ગેસ સબસિડી ખતમ થતાં જે ગ્રાહકો ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરે છે તેમના પર ૨૦૦ રૂપિયાનો બોજાે પડી રહ્યો છે. નોંધપાત્ર બાબત એ છે કે આટલી મોટી ઘટના હોવા છતાં આ બાબતે દેકારો મચાવવાની વાત તો દૂર ક્યાંય એક હરફ પણ ઉચ્ચારાયો નથી. આ કામ સરકારી કંપનીઓએ એટલી સિફતથી કર્યું છે કે કોઈને ખબર જ ના પડે.
જે પ્રકારે પેટ્રોલ-ડીઝલને અંકુશ મુક્ત કરી દેવાયા છે તે જ યુક્તિથી ગેસની સબસિડી નાબૂદ કરવા માટે યુક્તિ અજમાવાઈ હતી. લોકોના આક્રોશથી બચાવા માટે આ કામ ચૂપચાપ કરવામાં આવ્યું. જાે કે, થોડી બારીકાઈથી જાેતા આ સમગ્ર બાબત માલૂમ પડી જાય છે. પેટ્રોલિયમ કંપનીઓએ મે ૨૦૨૦માં ગેસ સિલિન્ડરના ભાવમાં અચાનક ૧૭૦ રૂપિયાનો ઘટાડો કરી નાખ્યો હતો. મતલબ કે ગેસ સિલિન્ડરનો ભાવ રૂપિયા ૭૭૦.૫૦થી ઘટાડીને રૂપિયા ૬૦૦ કરી દેવાયો હતો. તે સાથે જ ગ્રાહકોને મળનારી સિલિન્ડર દીઠ ૧૯૧ રૂપિયાની સબસિડી પણ નાબૂદ કરી દેવાઈ.
પછી જૂનથી સિલિન્ડરના ભાવ વધવાનું શરૂ થયું હતું. સબસિડી મળી પરંતુ ખાતામાં માત્ર ૬.૫૪ રૂપિયા જમા થયા. ગત ૨ ડિસેમ્બરે ગેસ સિલિન્ડરના ભાવ રૂપિયા ૫૦ વધારી દેવાયા અને ત્યારબાદ ૧૫ ડિસેમ્બરે ફરી ૫૦ રૂપિયા વધારી દેવાયા અને ત્યારબાદ ફરી ૧૫ ડિસેમ્બરે ફરી ૫૦નો ભાવ વધારો ઝીંકી દેવાયો. સિલિન્ડરનો ભાવ ફરી ૭૧૭ રૂપિયા થઈ ગયો. સબસિડી ઘટીને માત્ર ૫.૦૪ થઈ ગઈ.
આ તરફ સરકાર સંચાલિત ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ બુધવારે (૨૭ જાન્યુ.) પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો કરી દીધો હતો. પેટ્રોલના ભાવ દીઠ ૨૨-૨૫ પૈસા વધ્યા છે જ્યારે ડીઝલના ભાવમાં ૨૫-૨૭ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ લિટર દીઠ રૂપિયા ૯૨.૮૬ થઈ ગયો છે જ્યારે ડીઝલનો ભાવ ૮૨.૩૦ રૂપિયા થયો છે. પેટ્રોલિયમ કંપનીઓએ છેલ્લા અઢી મહિનામાં પેટ્રોલમાં લિટર દીઠ રૂપિયા ૫.૨૫નો વધારો કર્યો છે. જ્યારે ડીઝલમાં લિટર દીઠ ૬.૨૫ રૂપિયાનો વધારો કર્યો છે.SSS