રાંધેજા- બાલવા- માણસા સુધીના 40 કરોડના ખર્ચે તૈયાર થનાર ચાર માર્ગીય રોડનું ખાતમુહૂર્ત
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે માણસા ખાતે વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે માણસા ખાતે વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
જેમાં ગાંધીનગરના ક-૭ થી રાંધેજા- બાલવા- માણસા સુધીના રૂપિયા ૪૦ કરોડના ખર્ચે તૈયાર થનાર ચાર માર્ગીય રોડનું ખાતમુહૂર્ત કેન્દ્રીય મંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. તેની સાથે માણસા નગરપાલિકા વિસ્તારમાં સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના હેઠળ રૂપિયા ૧ કરોડ ૪૮ લાખના ખર્ચે તૈયાર થયેલ એલઇડી સ્ટ્રીટ લાઈટ તથા હાઈ માસ્ટ પોલના કામનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
માણસા તાલુકાના નાગરિકોને દસ્તાવેજ કામો માટે સરળતા રહે તેવી મોડેલ સબ રજીસ્ટ્રાર કચેરીનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ મોડલ સબ રજીસ્ટ્રાર કચેરીનું ભવન રૂપિયા ૧૧ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. માણસાના વૈભવ- વારસા સમા ચંદ્રાસર તળાવના બ્યુટીફિકેશનનું કામ અમૃત સરોવર 2.0 યોજના હેઠળ રૂપિયા ૪ કરોડ ૨૩ લાખના ખર્ચે થઈ રહ્યું છે, તે કામનું કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રીએ નિરીક્ષણ કરી વિવિધ કામોની માહિતી પણ મેળવી હતી.
કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીના હસ્તે લેકાવાડા ગામ ખાતે ૬૦ એકર જમીનમાં અંદાજે રૂપિયા ૨૧૫ કરોડના ખર્ચે તૈયાર થનાર એનએસજી સંકુલનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ માદરે વતન માણસા ખાતે બહુચર માતાજીના દર્શન કરી પૂજા અર્ચના પણ કરી હતી. માણસા ખાતેથી તેમના હસ્તે બાપુપુરા પી.એચ.સી. અને ચરાડા સી.એચ.સી. નાં નિર્માણની તકતીનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું.
મેરી મિટ્ટી, મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે માણસા ખાતે શિલાફલકમનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું.