રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત પ્રથમ તબક્કામાં ૬૯૮ બાળકોને ખાનગી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ અપાયો
દાહોદ, રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત દાહોદ જિલ્લાની બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ માટેની કાર્યવાહી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી દ્વારા કરાઇ હતી. જેમાં ૧૩૨ શાળાઓમાં ૯૩૭ જગ્યાઓ માટે ૧૮૮૯ અરજીઓ આવી હતી. જેમાંથી પ્રવેશ માટે ૧૩૩૧ માન્ય અરજીઓ ગણાઇ હતી. જેમાં પ્રથમ રાઉન્ડમાં ફાળવેલી ૮૪૭ જગ્યાઓ માટે ૬૯૮ ને પ્રવેશ અપાયો છે. જયારે વાલીઓ દ્વારા ૫૧ પ્રવેશ રદ કરાયા છે.
શાળામાં પ્રવેશ ન લીધો હોય તેવી ૯૮ અરજીઓ થાય છે. પ્રવેશ પ્રક્રિયા દરમિયાન કલેક્ટરશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શનમાં ફાળવેલ પ્રવેશપાત્ર ૮૪૭ બાળકોના વાલીઓની આર્થિક સ્થિતિ તથા રજુ કરેલ પુરાવાની ચકાસણી કરવા માટે દર ૧૦ બાળકોએ એક ટીમની રચના કરી ચકાસણીની કામગીરી કરવામાં આવી હતી.
દાહોદ તાલુકાની બુરહાની ઈંગ્લીસ મીડીયમ સ્કુલ દ્વારા પ્રવેશ ફાળવેલ ૯ બાળકોને પ્રવેશ આપ્યો નથી. જે અંગે કચેરી દ્વારા નિયમોનુસારની કાર્યવાહી કરાઇ હતી. જિલ્લામાં ૧૪૦ બાળકોએ પોતાનો આરટીઇ અંતર્ગત મળેલ પ્રવેશ જતો કર્યો છે. બીજા તબક્કામાં બાકી રહેલ જગ્યાઓ માટે પ્રવેશ અગામી દિવસોમાં ફાળવવામાં આવશે. આ અંગે વધુ માહિતી માટે દાહોદ જિલ્લા હેલ્પ લાઇન નંબર: ૦૨૬૭૩,૨૩૯૧૧૩ ઉપર સંપર્ક કરી શકાશે.