ચાર વર્ષની પુત્રીએ સૈનિક પિતાને નક્સલીઓના કબજામાંથી છોડાવવા માટે અપીલ કરી
રાકેશ્વરને છોડાવવા મોદી સરકાર બે શરત માનશે?
નવી દિલ્હી: છત્તીસગઢના બીજાપુરમાં ૩ એપ્રિલના રોજ થયેલા નક્સલી હુમલા બાદ રાકેશ્વર સિંહ મન્હાસ નક્સલીઓના કબજામાં છે અને આ વાત તેમના આખા પરિવારને પરેશાન કરી રહી છે. રાકેશ્વરસિંહની ચાર વર્ષની પુત્રીએ પોતાના સૈનિક પિતાને નક્સલીઓના કબજામાંથી છોડાવવા માટે માર્મિક અપીલ પણ કરી. તે રડતી રડતી કહેવા લાગી કે કોઈ પણ રીતે તેના પપ્પા ઘરે પાછા ફરે. રાકેશ્વરસિંહનો આખો પરિવાર આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફ આશાભરી મીટ માંડીને બેઠો છે.
તેમને ભરોસો છે કે જે પ્રકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિંગ કમાન્ડર અભિનંદનને છોડાવીને લાવ્યા હતા તે જ રીતે રાકેશ્વરસિંહ પણ સુરક્ષિત પાછા ફરશે. ૮૦ કલાકથી વધુ સમય વીતી ગયા છતાં સીઆરપીએફની કોબ્રા બટાલિયનના જવાન રાકેશ્વરસિંહ મન્હાસ નક્સલીઓના કબજામાં છે.
જ્યારે ૨ એપ્રિલના રોજ સુરક્ષાદળોની ૧૦ ટીમો બીજાપુરના જંગલોમાં નક્સલવાદી માડવી હિડમાને પકડવા માટે નીકળી હતી ત્યારે રાકેશ્વર સિંહ પણ આ ઓપરેશનનો ભાગ હતા. તેમણે આ ઓપરેશન પર જતા પહેલા પોતાના પરિવાર સાથે વાત કરી હતી. તેમણે પત્નીને કહ્યું હતું કે તેઓ કાલે તેને જરૂર ફોન કરશે.
પરંતુ ૮૦ કલાકથી વધુ સમય વીતી ગયો છે અને તેમનો હજુ સુધી કોઈ ફોન આવ્યો નથી. નક્સલીઓએ તેમને કેદી બનાવી લીધા છે. રાકેશ્વર સિંહની ઉંમર ૩૫ વર્ષ છે અને તેમનો આખો પરિવાર જમ્મુમાં રહે છે. પરિવારમાં માતા, એક ભાઈ, પત્ની અને ચાર વર્ષની પુત્રી છે અને આ બધા તેમના પાછા ફરવાની રાહ જાેઈ બેઠા છે.
ઝી ન્યૂઝની ટીમ જ્યારે તેમના ઘરે ગઈ તો ત્યાં માહોલ ખુબ ગમગીન છે. પરિવારની આંખોમાં આંસુ હતા અને પરિવારના તમામ લોકો એક રૂમમાં ભેગા થઈને એ આશાએ બેઠા હતા કે ગમે ત્યારે રાકેશ્વર સિંહનો ફોન આવી શકે છે.
આ નક્સલી હુમલાની જવાબદારી લેનારા પ્રતિબંધિત સંગઠન સીપીઆઈ માઓવાદીએ પણ તેના પર એક પત્ર લખ્યો છે. જેમાં આ સંગઠને સ્વીકાર્યું છે કે રાકેશ્વર સિંહ નક્સલવાદીઓના કબજામાં છે. સંગઠને જવાનને છોડવા માટે બે શરતો મૂકી છે.
પહેલી શરત એ કે સરકાર સુરક્ષા દળોને નક્સલ પ્રભાવિત વિસ્તારોમાંથી પાછા ખેંચી લે અને બીજી શરત એ કે સરકાર નક્સલીઓ સાથે વાતચીત માટે પોતાના પ્રતિનિધિને નિયુક્ત કરે. ૨ વર્ષ પહેલા જ રાકેશ્વર સિંહની ડ્યૂટી છત્તીસગઢના નક્સલી પ્રભાવિત વિસ્તારોમાં લાગી હતી અને તે દરમિયાન તેમણે અનેક ઓપરેશનોમાં ભાગ લીધો પરંતુ આ વખતે જ્યારે ટીમ છત્તીસગઢના બીજાપુરના ગાઢ જંગલોમાં ગઈ તો નક્સલીઓના હુમલામાં તેમના ૨૨ જેટલા સાથી શહીદ થઈ ગયા.