રાજકીય પક્ષો માટે કોરોનાની ગાઈડલાઈન ક્યારે લાગુ કરાશે?

સરકારી તંત્ર- અધિકારીઓના બેવડાં વલણથી નાગરિકોમાં ભારે નારાજગી
(એજન્સી) ગાંધીનગર, ગુજરાતમાં કોરોના- ઓમિક્રોનના કેસોનો રાફડો ફાટયો છે અને સામાન્ય નાગરિકના માથે સંક્રમણનું જાેખમ તોળાઈ રહ્યું છે ત્યારે કોરોના ગાઈડલાઈનના ચુસ્ત પાલનના નામે સામાન્ય નાગરિકો અને વાહનચાલકોએ માસ્ક પહેર્યું ન હોય તો એક હજાર રૂપિયા અને વેપારીઓ પાસેથી પણ મસમોટો દંડ વસૂલવામાં આવે છે,
પરંતુ ભાજપ સહિતના રાજકીય પક્ષો દ્વારા જાહેરમાં સમારંભો અને કાર્યક્રમો યોજવામાં આવે છે ત્યારે એક પણ તંત્ર કે અધિકારી તેમની પાસેથી દંડ વસૂલવાનું તો દૂર કોરોના પ્રોટોકોલ પાળવાની સૂચના કે તાકીદ પણ કરતા નથી તો શું નિયમો માત્ર સામાન્ય નાગરિકો માટે જ છે ? શું રાજકીય પાર્ટી કે તેમના નેતાઓ અને આગેવાનો માટે કોઈ નિયમ નહી? આ બેવડાં ધોરણો કેમ ? તેવી ચર્ચા સામાન્ય નાગરિકોમાં થવા લાગી છે.
અમદાવાદ સહિત રાજયભરમાં છેલ્લા એક સપ્તાહથી કોરોના અને નવા ઓમિક્રોન વેરિયન્ટે માથું ઉચકયું છે. કોરોના કેસોમાં થઈ રહેલાં સતત વધારાને પગલે રાજય સરકારે વાઈબ્રન્ટ સહિતના કાર્યક્રમો મોકુફ રાખવાની જાહેરાત કરવાની સાથે સાથે કોરોનાના સંક્રમણને ખાળવા માટે અમદાવાદ સહિતના આઠ મહાનગરો અને અન્ય નગરોમાં રાત્રિ કરફર્યુનો સમય વધાર્યો છે.
સાથોસાથ નાગરિકો, વેપારીઓ અને ખાનગી- સરકારી ઓફિસ માટે નવા નિયમો લાગુ કર્યા છે તો પ્રાથમિક શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ પર પ્રતિબંધ મૂકયો છે. પરિણામે સામાન્ય નાગરિકોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે તો બીજીતરફ ભાજપ અને કોંગ્રેસ દ્વારા રોજે રોજ નવા કાર્યક્રમો અને મેળાવડાઓ યોજવામાં આવે છે અને તેમાં ક્યાંક કોરોનાના એક પણ નિયમનું પાલન થતું નથી તો નિયમો માત્ર પ્રજા- જનતા માટે જ છે? તેવો આક્રોશ લોકોમાં વ્યાપી ગયો છે. (એન.આર.)