રાજકોટઃ 1.5વર્ષના પુત્રને સાચવવા દંપતી ઝઘડ્યુંઃ પતિએ ગળેફાંસો ખાધોઃ પત્નીએ એસિડ પીધું

રાજકોટ, રાજકોટના કોઠારિયા બાયપાસ રોડ પર ખોખડદડ નદી પાસે આવેલા જડેશ્વર પાર્કમાં પતિએ ગળેફાંસો ખાતા પત્નીએ એસિડ પી લીધું હતું.
જોકે આ બનાવમાં પતિનું મોત નીપજ્યું હતું, જ્યારે પત્નીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. પોલીસ તપાસમાં દોઢ વર્ષના પુત્રને સાચવવા મામલે દંપતી વચ્ચે ઝઘડો થયો હતો અને બાદમાં બન્નેએ આવું પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.
ગઇકાલે રાત્રે રાજકોટના કોઠારિયા બાયપાસ રોડ પર ખોખડદડ નદી પાસે આવેલા જડેશ્વર પાર્ક-2માં રહેતા જયદીપભાઈ બચુભાઈ બોરીચા (ઉં.વ.29)અને તેમના પત્ની જયશ્રીબેન (ઉં.વ.26)ને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બેભાન હાલતમાં ખસેડાયા હતા.
અહીં ઇમરજન્સી વોર્ડના તબીબોએ તપાસતા જયદીપને મૃત જાહેર કર્યો હતો. જ્યારે જયશ્રીને સારવાર માટે ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. બનાવની જાણ થતા આજીડેમ પોલીસનો સ્ટાફ હોસ્પિટલે દોડી આવ્યો હતો.
આજી ડેમ પોલીસે બનાવ અંગે પૂછપરછ કરતા પરિવારજનોએ જણાવ્યું હતું કે, સાડા ત્રણ વર્ષ પહેલા જયદીપ અને જયશ્રીએ લગ્ન કર્યા હતા. હાલ તેમને સંતાનમાં દોઢ વર્ષનો પુત્ર છે.
જયદીપ રિક્ષા ચલાવતો હતો. ગઇકાલે રાત્રે સાડા નવેક વાગ્યે જયદીપ ધંધો કરી ઘરે આવ્યો હતો. દોઢ વર્ષનું બાળક હોય તેને સાચવવાનું હોય અને સાથે ઘરનું કામ પણ કરવાનું હોય ધંધેથી પરત આવેલા પતિને બાળક સાચવવા માટે જયશ્રીએ કહ્યું હતું.
જોકે, આ બાબતે બંન્ને વચ્ચે ઝઘડો થયો હતો. વાત વાતમાં ઉગ્ર બોલાચાલી થઇ હતી. આથી જયદીપ ઉશ્કેરાઇને ઘરના ઉપરના માળે દોડી ગયો હતો અને રૂમનો દરવાજો બંધ કરી અંદર ગળેફાંસો ખાઈ લીધો હતો.
પત્ની ઉપરના રૂમમાં જોવા જતા પતિને લટકતી હાલતમાં જોઇ તેણે પણ બાથરૂમમાંથી એસિડની બોટલ લઇ ગટગટાવી લીધી હતી.
પરિવારના સભ્યો અને આસપાસના લોકોને જાણ થતા જયદીપને ગળેફાંસો ખાધેલી હાલત નીચે ઉતાર્યો હતો. બાદમાં પતિ-પત્નીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પરંતુ અહીં જયદીપને મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત છવાયો હતો.
આજીડેમ પોલીસે જરુરી કાગળ કાર્યવાહી કરી જયદીપના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. જ્યારે પત્ની જયશ્રી હજુ બેભાન હોય તે ભાનમાં આવ્યા બાદ પોલીસ તેમનું નિવેદન નોંધશે.